જન આશીર્વાદ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે ચાલતી તડામાર તૈયારીઓ કાલે સવારે 8 વાગ્યે સર્કિટ હાઉસથી જન આશીર્વાદ યાત્રા નીકળશે મોરબી : કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા આજે મોડી રાત્રે મોરબીમાં આવી પહોંચશે. મોડી રાત્રે મોરબી આવી પહોંચ્યા બાદ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને આવતીકાલે સવારે 8 વાગ્યે તેઓની જન આશીર્વાદ યાત્રા સર્કિટ હાઉસ ખાતેથી બાઈક અને કારના કાફલા સાથે નીકળશે. આ યાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાને લઈને મોરબીમાં આવતીકાલના કાર્યક્રમોની મિનિટ ટુ મિનિટની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સર્કિટ હાઉસ ખાતેથી આ યાત્રા નીકળ્યા બાદ વોર્ડ નંબર 4 માં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે નગરસેવકો સહિતના અગ્રણીઓ દ્વારા તેઓનું સ્વાગત કરાશે. વોર્ડ નંબર-2 માં આવેલ શક્તિ ચોક ખાતે સ્થાનિક નગરસેવકો અને અગ્રણીઓ સ્વાગત કરશે. નહેરુ ગેઇટ ચોકમાં વોર્ડ નંબર 1, 5 અને 6 ના લોકો સ્વાગત કરશે. શાક માર્કેટ યદુનંદન ગેઇટ પાસે વોર્ડ નંબર-13 ના કાર્યકરો અને નગરસેવકો તેમજ રવાપર રોડ ઉપર શહેર ભાજપના કાર્યાલય ખાતે વોર્ડ નંબર-7, 11, 12 ના લોકો અને રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે વોર્ડ નંબર 10 ના લોકો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદરો, નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે વોર્ડ નંબર 9 ના લોકો સ્વાગત કરશે. કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા કાલે સવારે 8-45 વાગ્યે વેકસીનેશન સ્થળની મુલાકાત, સંતોના આશીર્વાદ લઈ સામાજિક અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પ્રેસ કોન્ફરન્સ, મહેમાનોનું સ્વાગત, ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળની મુલાકાત, પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ અન્ન વિતરણ, સામાજિક અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ જન આશીર્વાદ યાત્રાને લઈને સ્થાનિક ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજનમાં ક્યાંય કચાશ ન રહી જાય તે માટેની તમામ તકેદારી રાખવમાં આવી છે. સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને સ્વાગત માટે શહેરનું એકપણ હોર્ડિંગ્સ બાકી રાખ્યું નથી. જિલ્લામાં આશરે 400 જેટલા હોર્ડિંગ્સ લગાવામાં આવ્યા છે. ત્રણ ચાર દિવસથી ભારે તૈયારી કરવામાં આવી છે. સ્વાગતના રૂટ ઉપર બેનર, ટેબલ સહિતની વ્યવસ્થા કરીને શાનદાર શણગાર કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..