માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના માતા-પિતા તો પાછા નહિ લાવી આપી શકીએ પરંતુ તે એકલા છે તેવો અહેસાસ પણ નહીં થવા દઈએ : મંત્રી ડો.મુંજપરા હળવદ : હળવદ જીએડીસીમાં દિવાલ નીચે દટાઈ જવાથી ૧૨ લોકોના કરૂણ મોત નિપજયાની ઘટનામાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના આપી હતી સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર પીડિત પરિવારની સાથે હોવાની પણ હૈયાધારણા આપી હતી. ગત તારીખ ૧૮ના રોજ હળવદ જીઆઇડીસી માં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ શ્રમિકોના પરિવારજનોની આજે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી આ વેળાએ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે હળવદ જીઆઇડીસીમાં સાગર સોલ્ટની દિવાલ નીચે દટાઈ જવાથી જે ૧૨ લોકોના મૃત્યુ થયા છે જેથી તેમના પરિવારજનોને સાંત્વના આપવા માટે આજે આવ્યો છું જેના પરિવારજનો આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેઓના બાળકોને અભ્યાસ માટે અમારા જ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (સંભાળ અને સુરક્ષા) દ્વારા રાખવામાં આવશે સાથે જ આ પરિવારજનોને આવાસની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છે તેમાં લાગુ પડતી તમામ યોજનાઓનો લાભ આ પરિવારોને આપવામાં આવશે જે બાળકોએ આ દુર્ઘટનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તો અમે તેઓના માતા-પિતા તો પાછા નથી લાવી આપી શકીએ તેમ પરંતુ તેમની ખોટ પણ નહિ વરર્તાવા દઈએ તેની હું ખાતરી આપું છું. માનવ સર્જિત આ દુર્ઘટનામાં જે આરોપીઓ છે તેઓની વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આ પરિવારજનોને જ્યારે પણ મારું કામ પડે ત્યારે હું તેઓની સાથે ઉભો રહીશ તેમ જણાવ્યું હતું.કેન્દ્રીય મંત્રી ની મુલાકાત વેળાએ સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ હળવદ જીઆઇડીસી માં દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિવારજનોની મુલાકાત લીધી હતી આ મુલાકાતમાં એક જ પરિવારના છ-છ સભ્યો ગુમાવનાર પરિવારની પણ મુલાકાત લીધી હતી જેમાં માતા-પિતા,ભાઈ,દાદા,કાકા,ફોઈ ગુમાવનાર નવ માસની લક્ષ્મીને જોતા જ મંત્રી મુજપરા ભાવુક બની ગયા હતા અને આ દીકરીને તેડી લઈ વહાલ વરસાવ્યું હતું.