ફાયર સેફટીની ઝુંબેશમાં શાળાઓ અને ક્લાસિસોની તપાસના આદેશ કરનારા અધિકારો પોતાની જ કચેરીને તપાસવાનું ભૂલી ગયા? મોરબી : મોરબીમાં ફાયર સેફટીની ઝુંબેશમાં શાળાઓ અને ક્લાસિસોની તપાસના આદેશ કરનારા અધિકારો પોતાની જ કચેરીને તપાસવાનું ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણકે ખુદ ડીઈઓની કચેરીમા જ એક્ષપાઈરી ડેટવાળા ફાયર સેફટીના સાધનો હોવાનો ઘટસ્ફોટ થતા 'દીવા તળે અંધારૂ'ની કહેવત સાચી ઠરી છે. હાલ શાળાઓ અને ટ્યુશન ક્લાસિસો ઉપર તંત્રએ મિશનરૂપે ફાયર સેફટીનું ચેકીંગ હાથ ધર્યું છે. ત્યારે ખુદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જ એક્ષપાઈરી ડેટવાળા ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા છે. કચેરીમા રહેલો ડ્રાઇ કેમિકલ પાવડરનો બાટલો ૨૦૧૭નો છે. જેની એક્ષપાઈરીડેટ પૂર્ણ થયાને પણ એક વર્ષ થવા આવ્યું છે.છતાં તેને બદલવામાં આવ્યો નથી. આમ તંત્ર પોતે ફાયર સેફટીમાં બેદરકારી દાખવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.