ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ઉભરાઈને મેઈન ગેઇટ સુધી પહોંચ્યું, જિલ્લા પ્રભારી સચિવ અને અધિકારીઓ મુલાકાત દરમિયાન ગંભીર બેદરકારી છતી મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત છે.સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે બેડ અને સ્ટાફની અભાવથી સેંકડો દર્દીઓ રિબાઈ રહ્યા છે ત્યારે વધુ એક ગંભીર સમસ્યાએ ભરડો લીધો છે.જેમાં આજે જિલ્લા પ્રભારી સચિવ સહિતના અધિકારીઓની મુલાકાત દરમિયાન જ સિવિલમાં ભૂગર્ભ ગટર છલકાઈ હતી.અધિકારીઓ તેમજ દર્દીઓને પણ ગંદા પાણીમાં ચાલવાની નોબત આવી હતી તેમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું. મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે તેવા સમયે જ ભૂગર્ભ ગટર ઉભરાઈ હતી અને ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈને છેક હોસ્પિટલના મેઈન ગેઇટ ગાંધીચોક સુધી પહોંચી ગયા હતા.સિવિલમાં કોરોનાની ભયાનકતા વચ્ચે આ ગટરના પાણી ઉભરાતા સમસ્યા બેવડાઈ હતી.આજે જિલ્લા પ્રભારી સચિવ તથા કલેકટર સહિતના અધિકારીઓ સિવિલની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ ગટરના પાણી ઊભરાયા હતા.આથી અધિકારીઓ અને દર્દીઓ તેમજ દર્દીઓના સગાઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. સિવિલમાં ગટર ઉભરાતા હાલની પરિસ્થિતિમાં રોગચાળો વધુ ન વકરે તે માટે સિવિલ હોસ્પિટલમાં સામાજિક કાર્યકર તરીકે કામ કરતા હસીનાબેને ભૂગર્ભ કુંડીની સફાઈ કરીને ગંદા પાણીનો નિકાલ કરવનો પ્રયાસ હાથ ધર્યો હતો.જો કે સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી વારંવાર ગટર ઉભરવાનો સળગતો પ્રશ્ન છે. અવારનવાર ગટર ઉભરાતી હોવાથી સિવિલમાં સાજા થવા આવતા દર્દીઓ વધુ માંદા પડે તેવી કપરી પરિસ્થિતિ હોવા છતાં સંબધિત તંત્રની ઊંઘ ઊડતી ન હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.