જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબી : મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ વિવિધ કામોનું આયોજન કરવા માટે એક મહત્વની બેઠક જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના વડપણ હેઠળ યોજાઇ હતી. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગઇકાલે સરકારની ગાઇડલાઇન અનુસાર સામાજિક અંતર જાળવીને યોજાયેલ આ બેઠકમાં મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ આ વર્ષે ૫૩૩ લાખ રૂપિયાના ખર્ચે ૨૦૭ કામો હાથ ધરવામાં આવશે. જેમાં તળાવો ઊંડા કરવા, નહેરોની સાફસફાઇ અને મરામત, ચેકડેમ ડીસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નવા ચેકડેમ બનાવવા, નદીઓને પુનઃજીવીત કરવી, ખેત તલાવડી, વન તળાવ, નદીની સાફસફાઇ, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સાફસફાઇ સહિતના કુલે ૨૦૭ કામો હાથ ધરવાનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું. આ બેઠક માં અધિકારીઓ સાથે ચર્ચા કરતાં મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલે જળસંચયના કામો તાત્કાલિક શરૂ કરીને સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી.જાડેજા, મોરબી પ્રાંત અધિકારી એસ. જે. ખાચર, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા, જિલ્લાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સિંચાઇ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/