નીચી માંડલ નજીક આવેલ લેવીન્ઝા સિરામીક ફેકટરીમાં બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ : પાંચેક કરોડ રૂપિયા ફસાવી ભાગીદારના પત્ની અને માતાને મૂંઢ માર મરાયો મોરબી : મોરબીના નીચી માંડલ રોડ ઉપર આવેલ લેવીન્ઝા સિરામીક ફેકટરીના 19 ટકાના ભાગીદાર એવા સદગૃહસ્થને અન્ય ભાગીદારો ભાગીદારી છૂટી કરી નાણાં ચૂકવતા ન હોય ગઈકાલે ભાગીદારીના પત્ની અને માતા ફેક્ટરીએ ભાગીદારી છૂટી કરવા માટે પહોંચતા ફેકટરીના અન્ય ભાગીદારના માતા પિતા એવા વેવાઈ વેવાણે પોતાના ભાઈની દીકરી અને વેવાણને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નીચી માંડલ નજીક આવેલી લેવીન્ઝા સિરામીકમા 19 ટકા ભાગીદારી ધરાવતા ગીરીશભાઈ લિખિયાએ તેમના કાકાજીના દીકરા નવદીપભાઈ સાથે ચાર વર્ષ પૂર્વે વોલ ટાઇલ્સ બનાવવાની સિરામીક ફેકટરી શરૂ કરી હતી.પરંતુ ગીરીશભાઈને શ્રીનાથજી કોટન જીનિંગની જવાબદારી હોય તેઓએ કંપનીમાંથી છુટા થવા જણાવી રાજીનામું આપી દીધું હતું છતાં સામે વાળા કાકાજી સસરાના પુત્રો ચાર વર્ષથી ભાગીદારી છૂટી કરતા ન હોય ગઈકાલે ગીરીશભાઈ લિખિયાએ તેમના પત્ની સાધનાબેન, માતા મુકતાબેન અને પુત્રને લેવીન્ઝા સિરામીક ફેક્ટરીએ ભાગીદારી છૂટી કરવા માટે મોકલ્યા હતા. વધુમાં સાધનાબેન ગીરીશભાઈ લિખિયા અને તેમના સાસુ મુકતાબેન તેમજ તેમનો પુત્ર આનંદ લેવીન્ઝા ફેકટરીએ ગયા બાદ કલાક સુધી કોઈ ઓફિસમાં ન આવતા ત્રણેય સિરામીક પ્લાન્ટમાં ગયા હતા જ્યા આરોપી નવદીપભાઈ, જયદીપભાઈ, કલ્પેશભાઈ અને સંદીપભાઈ હાજર હોય સાધનાબેનના સાસુએ આ ચારેયને ભાગીદારી છૂટી કરી નાણાકીય હિસાબ આપવાનું કહ્યું હતું અને થોડી જ વારમાં પીપળી ગામે રહેતા સાધનાબેનના કાકા કાંતિભાઈ જેઠલોજા અને કાકી હંસાબેન જેઠલોજા આવી ગયા હતા. વધુમાં ગીરીશભાઈના કાકાજી સસરા કાંતિભાઈ અને કાકીજી સાસુ હંસાબેન પાસે વેવાણ મુકતાબેને ભાગીદારીની વાત કરતા બન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના ભાઈની દીકરી એવા સાધનાબેનને પણ બન્નેએ જેનફાવે તેમ ગાળો દઈ ધક્કો મારી પછાડી દઈ હવે બીજી વાર આવશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. વધુમાં અંદાજે પાંચેક કરોડના ભાગીદારી હિસાબ મામલે થયેલ આ ઝઘડામાં ફરિયાદી સાધનાબેને માર મારવા અને જાનથી પતાવી દેવાની ધમકી આપવા મામલે ભાગીદાર કમ કાકા સહિત છ ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 323, 504, 506(2) અને 114 મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાં પક્ષે હંસાબેન કાંતિલાલ જેઠલોજાએ પણ સાધનાબેન ગીરીશભાઈ લિખિયા અને તેમના સાસુ મુકતાબેન વિરુદ્ધ ભાગીદારી પ્રશ્ને માર માર્યા અને અને જાનથી મારી નાખવા મામલે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બન્ને વિરુદ્ધ આઈપીસી કલમ 323, 504, 506(2) અને 114 મુજબ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..