વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ફાયરકલેનું ગેરકાયદેસર રીતે થતું હતું ખનન મોરબી અપડેટ : વાંકાનેર તાલુકાના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબીના ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની તપાસ ટીમ દ્વારા તારીખ 18/08/2026 ના રોજ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર ખનન કરતા એક મોટા મશીનને ઝડપી પાડવામાં આવ્યું છે.મોરબીના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના અન્વયે કરવામાં આવેલી ક્ષેત્રિય તપાસ દરમિયાન સ્થળ પરથી ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત રીતે ખનન કરતું પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર મશીન મળી આવ્યું હતું. તપાસ ટીમે સ્થળ પર જ કડક કાર્યવાહી કરીને આશરે રૂ. 40 લાખની કિંમતના આ એક્ષકેવેટર મશીનને સીઝ કર્યું હતું. ખાણ-ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલા એક્ષકેવેટર મશીનના માલિક તરીકે હળવદ તાલુકાના ખેતરડી ગામના રહેવાસી કિશન મૈયા દેકાવાડીયાનું નામ સામે આવ્યું છે. ગેરકાયદેસર ખનન કરવા બદલ સીઝ કરાયેલા આ મશીનને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.આ સમગ્ર કેસમાં તંત્ર દ્વારા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 ની જોગવાઈઓ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજોના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે નિયમિત તપાસ ઝુંબેશ ચલાવીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ યાદીમાં જણાવાયું છે. #MorbiUpdate #MorbiNews #Wankaner #IllegalMining #GeologyAndMining #MorbiPolice #GujaratNews #CrimeNews #Morbi