સામાન્ય કર્મચારીના નામે ભાડે રાખવામાં આવેલ ફ્લેટમાંથી થોકબંધ સાહિત્ય મળી આવ્યું : વિદેશ કામ અર્થે ગયેલા કંપનીના મુખ્ય પાર્ટનરોને મોરબી પરત બોલાવવામાં આવ્યામોરબી : મોરબીના જાણીતા લીવા, લેવિસ અને મેટ્રો સહિતના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર બીજા દિવસે પણ ઇન્કમટેક્સની તવાઈ સતત ચાલુ રહી હતી. ઇન્કમટેક્સના 150થી વધુ કર્મચારીઓની ફૌજને દરોડા દરમિયાન બહુ મોટી સફળતા મળી હોવાનું અને પ્રાથમિક તબક્કે જ 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો રડારમાં આવી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ 10 કરોડ જેટલી રોકડ પણ મળી આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.રાજકોટ ઇન્કમટેક્સની ટીમોએ મંગળવારે વહેલી પરોઢથી સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલ મોરબીના લીવા, લેવિસ, મેટ્રો, ઇડનહિલ સહિતના ગ્રુપના વિવિધ 40 જેટલા સ્થળોએ રાજકોટ, અમદાવાદ ઉપરાંત સુરત ઇન્કમટેક્સની ટીમોને મેદાને ઉતારી દરોડા પાડયા હતા જેમાં રાજકોટથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવ્યા બાદ મોરબીમાં પણ રોકડ મળી આવી હોવાનું અને પ્રાથમિક તપાસમાં કુલ દસેક કરોડની રોકડ ઝડપાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ઇન્કમટેક્સના આ દરોડા પાછળ સીરામીક કંપનીના વ્યવહારોની સાથે જમીન મકાનમાં કરવામાં આવેલ મોટા રોકાણ ઉપરાંત જમીન મકાનની મોટા પ્રમાણમાં કરવામાં આવેલ ખરીદ વેચાણના વ્યવહાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. દરમિયાન લેવિસ ગ્રુપના જીતુભાઇ રોજમાળા પરિવાર જમીન મકાનના ધંધામાં મોટા પ્લેયર હોવાથી અનેક સ્થળોએ બિનહિસાબી વ્યવહાર થયા હોવાનું આઈટીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.બીજીતરફ મોરબીમાં દરોડા દરમિયાન રવાપર રોડ ઉપર સામાન્ય કર્મચારીના નામે ફ્લેટ ભાડે રાખી લિવા લેવિસ ગ્રુપ દ્વારા અહીંથી જ તમામ જમીન મકાનના ધંધાનું સંચાલન થતું હોવાનું તપાસમાં સામે આવતા ઇન્કમટેક્સ વિભાગે અહીં ઓપરેશન પાર પાડી મોટી રકમના વ્યવહારોના અંકોડા મેળવવાની સાથે થોકબંધ સાહિત્ય પણ કબ્જે કર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જે કંપનીમાં દરોડા પાડ્યા છે તેમાં સાહિત્યની સાથે ટાઇલ્સના સ્ટોકની ગણતરી પણ કરવામાં આવી રહી છે તેમજ તેમના મુખ્ય સંચાલક ઉદ્યોગકારો જે વિદેશ કામ અર્થે ગયા તેમને પણ તાત્કાલિક મોરબી પરત બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દરોડાની કાર્યવાહી હજુ પણ લાંબો સમય ચાલુ રહેવાના સંકેત ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોએ આપ્યા હતા.