14 દિવસ પૂર્ણ થયા અમને બહાર આવવા દયો : સ્થાનિક લોકોએ કરી માંગ ગાઈડલાઈન પ્રમાણે પોઝિટિવ કેસ નેગેટિવ આવે તેને 28 દિવસ પછી બહાર નીકળવાની છૂટ : અધિકારીઓની સ્પષ્ટતા મોરબી : મોરબીમાં માસ ક્વોરોન્ટાઇન કરાયેલા ઉમા ટાઉનશીપના બે એપાર્ટમેન્ટના 30થી 40 લોકોએ આજે બહાર નીકળવા મામલે બળાપો ઠાલવ્યો હતો. જો કે અધિકારીઓએ ત્યાં પહોંચીને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે પોઝિટિવ કેસ જ્યારે નેગેટિવ આવશે તેને 28 દિવસ બાદ અહીંના લોકોને ક્વોરોન્ટાઇનમાંથી મુક્ત કરાશે. મોરબીની ઉમા ટાઉનશીપના અશોકભાઈ નામના રહીશને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઉમા ટાઉનશીપના વૈભવ અને ગીતાંજલી એપાર્ટમેન્ટને માસ ક્વોરોન્ટાઇન કરવામાં આવી છે. જેમાં 42 જેટલા ફ્લેટમાં 96 લોકો રહે છે. જેમાંથી આજે 30થી 40 લોકોએ દવા અને જરૂરી ચીજ વસ્તુઓ લેવા જવી હોય અને 14 દિવસ પૂર્ણ થઈ ગયા હોય તેવું જણાવીને મુક્ત કરવાની માંગ ઉઠાવી હતી અને બળાપો ઠાલવ્યો હતો. આ અંગે જાણ થતાં સિટી મામલતદાર રૂપાપરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરા અને રોગચાળા નિયંત્રણ અધિકારી ચેતન વારેવડીયા સહિતના ઉમા ટાઉનશીપ પહોંચી ગયા હતા. આ અધિકારીઓએ સ્થાનિકોને સમજવ્યા હતા અને કહ્યું હતું કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાગ્રસ્ત અશોકભાઈનો રિપોર્ટ જ્યારે નેગેટિવ આવશે ત્યારથી 28 દિવસ બાદ આ વિસ્તારને ક્વોરોન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવશે.ઉપરાંત સ્થાનિકોનો જે પ્રશ્ન હતો તે સાંભળીને તેનો ઉકેલ લઈ આવવામાં આવ્યો હતો અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.