હળવદ અને જેતપર હાઇવે ઉપર આડેધડ હોર્ડિંગ્સ ઉભા કરનાર ધંધાર્થીઓને મોરબી માર્ગ અને મકાન વિભાગની આકરી ચેતવણી મોરબી : મોરબી જિલ્લાના હાઇવે તેમજ મુખ્ય માર્ગોને બાપુજીની મિલ્કત સમજી ઠેકઠેકાણે આડેધડ ઉભા કરવામાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડથી અકસ્માતનો ખતરો જોતા માર્ગ અને મકાન વિભાગ મોરબી દ્વારા 20 દિવસમાં તમામ બિનકાયદેસર હોર્ડિંગ્સ ઉતારી લેવા ચેતવણી આપવામાં આવતા આઉટડોર એડ્વર્ટાઇઝમેન્ટના કહેવાતા ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે. મોરબી શહેર અને જિલ્લામાં આઉટડોર પબ્લિસિટીના નામે કોઈપણ જાતના નીતિ નિયમોની અમલવારી થતી ન હોય અનેક ધંધાર્થીઓ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા હોવાથી સરકારી અને ખાનગી મિલ્કતો ઉપર જીડીસીઆરના નિયમોની ઐસીતૈસી કરી હોર્ડિંગ્સનું રીતસર અતિક્રમણ કરી નાખવામાં આવ્યું છે ત્યારે ટૂંક સમયમાં જ મોરબી જેતપર અને મોરબી હળવદ ફોરલેનનું કામ ચાલુ થનાર હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાઇવે ઉપર આડેધડ હોર્ડિંગ્સ ખડકી દેનાર તત્વો વિરુદ્ધ લાલઆંખ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકાને વર્ષે દહાડે કરોડો રૂપિયાની આવક હોર્ડિંગ્સ બોર્ડની સાઈટો થકી થયા તેમ હોવા છતાં ઈચ્છાશક્તિના અભાવે અને રાજકીય લાજને લઈ ચોક્કસ નીતિ-નિયમોની અમલવારી કરવામાં ન આવતા ફરી પાછા આડેધડ હોર્ડિંગ્સ ઉભા થવાની શરૂ થયું છે તો, બીજી તરફ રાજકોટ - મોરબી, મોરબી - વાંકાનેર, મોરબી માળીયા સહિતના હાઇવે ઉપર તંત્રની ઢીલી નીતિને કારણે માર્ગ અને મકાન વિભાગની હદમાં આઉટડોર પબ્લિસિટી એજન્સીઓ દ્વારા મનપડે તેમ હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. જો કે, હાલમાં તો મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી - જેતપર અને મોરબી - હળવદ હાઈવેનું ચારમાર્ગીય રૂપાંતરણ પ્રોજેક્ટ હાથ ધરવા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે અને તંત્રએ તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ ઉખાડી ફેંકવા તૈયારી કરતા જ હોર્ડિંગના ધંધાર્થીઓ હાંફળા - ફાંફળા બનતા હાલમાં તંત્ર દ્વારા 20 દિવસમાં હોર્ડિંગ્સ ઉખાડી નાખવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.