માળિયા તાલુકા પંચાયતના સદસ્ય કેતનકુમાર વિડજા દ્વારા મોરબી કલેક્ટરને લેખિતમાં રજૂઆત માળિયા (મી.) : માળિયા તાલુકાના છેવાડાના ગામોમાં ખેડૂતો માટે આગોતરા વાવેતરનો સમય આવી ગયો હોવા છતાં નર્મદા કેનાલમાં પાણી ન આવતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે માળિયા (મીં) તાલુકા પંચાયતના સદસ્ય કેતનકુમાર રમેશભાઈ વિડજા દ્વારા મોરબી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી આગામી 12 જૂન સુધીમાં પાણી નહીં મળે તો કેનાલ પર જ ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં કેતનકુમાર વિડજાએ જણાવ્યું છે કે, માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામથી પસાર થતી માળિયા નર્મદા બ્રાન્ચમાં ખેડૂતોને વાવેતર માટે હજુ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ઉપરવાસમાં કેટલાક તત્વો બખનાળા કરીને પાણીનો બેફામ દુરુપયોગ કરી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ આવા તત્વોને છાવરી રહ્યા છે, જેના કારણે છેવાડાના માળિયા તાલુકાના ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે.ખેડૂતો દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે જો આગામી 12 જૂન સુધીમાં જુના ઘાટીલા અને ખીરાઈ ગામની નર્મદા કેનાલ સુધી પાણી નહીં પહોંચે, તો ઘાટીલા ગામના ખેડૂતો દ્વારા કેનાલ ઉપર જ ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળનું આંદોલન શરૂ કરવામાં આવશે. આ લડતમાં જોડાવા અને સાથ સહકાર આપવા તમામ ખેડૂત ભાઈઓને અપીલ પણ કરવામાં આવી છે.#MorbiUpdate #Maliya #NarmadaCanal #FarmersProtest #Morbi #Ghatila #Khirai #WaterCrisis #FarmersIssue #GujaratNews