મોરબીનો 22 વર્ષનો માજોતી સાહિલ મોહમ્મદ હુસેન રશિયા અભ્યાસ કરવા ગયો હતો, જ્યાં ડ્રગ્સ કેસમાં પકડાયા બાદ તેને જેલથી બચવા રશિયન સેના તરફથી લડવાનો વિકલ્પ પસંદ કર્યો હતો, બાદમાં યુક્રેન સામે આત્મસમર્પણ કરી દીધુંમોરબી : મોરબીનો એક 22 વર્ષીય યુવાન જે રશિયન સેના તરફથી લડી રહ્યો હતો. તેને યુક્રેને બંદી બનાવી લીધો છે. જો કે આ યુવાને સામેથી જ યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી દીધું છે. હવે આ યુવાન ભારત પરત આવવાની માંગ કરી રહ્યો છે. બીજી તરફ આ મામલે ભારત તરફથી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રશિયન સેનામાં લડતા 22 વર્ષના ભારતીય નાગરિકને યુક્રેનિયન સેનાએ બંદી બનાવ્યો છે. ભારતીય અધિકારીઓએ આ બંદીવાનની પુષ્ટિ કરી નથી, પરંતુ જણાવ્યું હતું કે તેઓ અહેવાલોની ચકાસણી કરી રહ્યા છે. આ યુવાનનું નામ માજોતી સાહિલ મોહમ્મદ હુસેન છે. જે મૂળ મોરબીનો રહેવાસી છે. આ યુવાન રશિયા અભ્યાસ માટે ગયો હતો. પરંતુ ત્યાં તે ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયો હતો. આ ગુનામાં તેને રશિયન સશસ્ત્ર દળમાં જોડાવાની ફરજ પડી હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ યુવાન યુદ્ધ લડવા માંગતો ન હતો અને તેને જીવ બચાવવા યુક્રેનિયન સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.ગયા મહિને પુષ્ટિ કરતાં ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે હજુ પણ 27 ભારતીય નાગરિકો રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે, અને ભારતીય નાગરિકોને રશિયન સેનામાં સેવા આપવાની ઓફરથી દૂર રહેવા અપીલ કરી હતી કારણ કે તે જોખમ અને જીવન માટે ખતરનાક છે.મોરબીના આ યુવાનનો યુક્રેન દ્વારા વિડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે તેને ડ્રગ્સ સંબંધિત આરોપોમાં રશિયામાં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેને વધુ સજાથી બચવા માટે રશિયન સેના સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની ઓફર આપવામાં આવી હતી. જે તેને સ્વીકારી હતી. તે લડવા માંગતો ન હતો, તેને મદદની જરૂર હતી. હવે તેની માંગ છે કે તેને યુક્રેનમાં રહેવા દેવામાં આવે અથવા ભારત પાછો મોકલવામાં આવે. વધુમાં આ યુવાને જણાવ્યું હતું કે તેને કરાર મુજબ સેનામાં એક વર્ષની સેવા બદલ સ્વતંત્રતા અને 1 થી 1.5 મિલિયન રશિયન રૂબલ આપવામાં આવશે પરંતુ તેને ક્યારેય કોઈ પૈસા આપવામાં આવ્યા નથી.