કપડાનો શોરૂમ ધરાવતા વેપારી અને સીરામીકમાં કામ કરતા યુવાને દારૂનો વેપલો ચાલુ કર્યોને અંટાયા મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ ધર્મમંગલ સોસાયટીમાં સીટી બી ડિવિઝન પોલીસે રહેણાંકમાં દરોડો પાડી બે યુવાનને દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર નજીક આવેલી ધર્મજીવન સોસાયટીમાં સીરામીકમાં નોકરી કરતા જતીનભાઇ છગનભાઇ માકાસણા અને પબજી નામનો કપડાનો શોરૂમ ચલાવતા કેતનભાઇ ઘનશ્યામભાઇ વરમોરાના રહેણાંકમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બન્નેના કબ્જા ભોગવટા વાળા મકાનમાંથી બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કિની બોટલ નંગ-36 કિંમત રૂ.30,600, મેકડોવેલ નં.1 ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કિની બોટલ નંગ-35 કિંમત રૂ.13,125 અને બીરા સુપર સ્ટ્રોન્ગ બુમ બીયર ટીન નંગ-120 કિંમત રૂપિયા 12000 સહિત કુલ રૂપિયા 55,725નો જથ્થો મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.