રોટેશન મુજબ એસ.સી. અનામત સીટ જાહેર થઈ હોય ટૂંક સમયમાં પસંદગી મોરબી : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખની અઢી વર્ષની ટર્મ આગામી 13 સપ્ટેમ્બરે પુરી થઈ રહી છે, ત્યારે મોરબી જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની મુદત માટે નવા પ્રમુખ કોણ ? એ માટે જોરશોરથી લોબીગ શરૂ થયું છે. રોટેશન મુજબ એસસી અનામત સીટ હોય બે મહિલાઓ પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર ગણાઇ રહ્યા છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે હાલ હળવદ સીટના ચંદુભાઈ શિહોરા હોય પણ તેમની હવે અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષના પ્રમુખ માટેનું રોટેશન જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને હવે આગામી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ એસસી અનામત રાખવામાં આવી છે અને જિલ્લા પંચાયતમાં ભાજપનું પૂર્ણ બહુમતી સાથે શાસન હોય આ આગામી અનામત સીટમાં જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના બે મહિલા ઉમેદવારો વચ્ચે રેસ જામી છે. જેમાં ભાજપના બે મહિલા ઉમેદવારોમાં મોરબીના ઘુંટુ સીટના હંસાબેન પારેધી અને બીજા ટંકારાના ઓટાળા સીટના કમળાબેન ચાવડા છે. આગામી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રબળ દાવેદાર મનાતા હંસાબેન પારેઘી અગાઉ એક વખત જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમનું નામ પણ જોરશોરથી ચર્ચાના કેન્દ્રમાં છે. પણ ભાજપના મોવડીઓ આ બે મહિલા ઉમેદવારમાંથી કોની જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પસંદગી ઉતારશે ? તેના પર સૌની મીટ મંડરાયેલી છે. જ્યારે મોરબી જિલ્લા પંચાયતની સાથે પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખની પણ મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે આ જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષની ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખની સાથે તાલુકા પંચાયતો પ્રમુખ અને ઉપપ્રમુખોની પણ વરણી કરવામાં આવશે.