પીજીવીસીએલના સર્વિસ વાયરના ફોલ્ટને કારણે સામાન્ય વ્યક્તિને મોટું નુકસાન : દુર્ઘટના સ્થળે હજુ પણ લટકતા વીજ વાયર, નક્કર કામગીરી જરૂરીમોરબી : મોરબીમાં મહેન્દ્રનગર રોડ ઉપર ગત રાત્રીના સમયે વીજ વાયર શોર્ટ સર્કિટ બાદ માથે પડતા બે ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વિગતો આપતા ભાવેશભાઇ થરેચાએ જણાવ્યું કે સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર શિવમ હોસ્પિટલ પાછળ ભક્તિનગર-2માં તેઓ રહે છે. જ્યાં ઘરની બહાર એક બાઇક અને એક સ્કૂટર પાર્ક કરવામાં આવ્યું હતું. ગત રાત્રીના 3 વાગ્યાના અરસામાં પીજીવીસીએલનો સર્વિસ વાયર શોર્ટ સર્કિટ થયા બાદ નીચે પડ્યો હતો. જેના કારણે નીચે પડેલા બે ટુ-વ્હીલરમાં આગ લાગી હતી. આ બન્ને ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે. રાત્રે પીજીવીસીએલનો સ્ટાફ તો આવ્યો હતો. તે લાઈન કાપીને ચાલ્યો ગયો હતો. તેઓએ આવતીકાલે મોટા સાહેબ આવશે તેમ કહી ચાલ્યા ગયા હતા. અહીં હજુ પણ વીજ વાયર લટકે છે. હજુ કોઈ મોટા સાહેબ આવ્યા નથી. આમ પીજીવીસીએલની ઢીલી કામગીરીને કારણે આ તૂટેલા વીજવાયર હજુ પણ યથાવત સ્થિતિમાં છે.