પોલીસે બન્ને બસના ડ્રાઇવરો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીમોરબી : ટંકારા તાલુકામાં પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં આ પુલ પરથી સ્કૂલ બસ લઈને પસાર થનારા બે વાહન ચાલકો સામે ટંકારા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાથી ધ્રોલ તરફ જતા માર્ગ પર ખાખરા ગામ નજીક આજી નદી પર આવેલા પુલનું રિપેરિંગ કામ લાંબા સમયથી ચાલુ છે. આ પુલ પરથી ટ્રક, ડમ્પર અને બસ જેવા ભારે વાહનોની અવરજવર પર જિલ્લા કલેક્ટરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં, અનેક ભારે વાહન ચાલકો પુલ પાસે મૂકેલા અવરોધો તોડીને વાહમ પસાર કરતા હોવાના બનાવો સામે આવ્યા હતા. જેમાં ટંકારા પોલીસે સક્રિયતા દાખવી અહીંથી પસાર થનાર બે સ્કૂલ બસો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરજે-32-પીએ-0284 નંબરની બસના ચાલક મનહરભાઈ મલાભાઈ જરૂ (ઉં.વ. 45, રહે. લતીપર નવાપરા, તા. ધ્રોલ) અને જીજે-06-ઝેડ-2335 નંબરની બસના ચાલક શૈલેષભાઈ નાથાભાઈ કોટડીયા (ઉં.વ. 58, રહે. થોરીયાળી, તા. પડધરી)એ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું હોય ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પુલનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી તેના પર ભારે વાહનો પસાર થવાથી મોટો અકસ્માત થવાની શક્યતા છે. તેથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેરનામાનું પાલન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે.