મોરબી : મોરબીના વતની બે રિટાયર્ડ આર્મીમેને હાલમાં કોરોના વાયરસના કારણે ઉદ્ભવેલી વિકટ પરિસ્થિતિમાં ઉપયોગી થઇ દેશસેવા કરવા માટે તત્પરતા દાખવી છે. આ અંગે રિટાયર્ડ આર્મીમેન ગોગરા પ્રકાશ મોહનભાઈ તથા જિલરીયા દિનેશ દાનાભાઈ એ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને સંબોધીને અધિક કલેક્ટર કેતન જોશીને આવેદન પત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્રમાં રિટાયર્ડ આર્મીમેન પ્રકાશભાઈ તથા દિનેશભાઇ એ જણાવેલ છે કે દેશની આર્મીમાંથી રિટાયર્ડ થઈ હાલ તેઓ વતન મોરબી ખાતે આવેલ છે. તેઓનો કોરોન્ટાઈન પિરિયડ પણ પૂર્ણ થઇ ગયેલ છે. તેઓએ અત્યાર સુધી બોર્ડર ઉપર દેશ સેવા કરેલી હોવાથી અને સિસ્ટમ સાથે દેશ સેવા કરવાની આદત હોવાથી કોરોનની મહામારીમાં જો તેઓએ તંત્રને ક્યાંય ઉપયોગી થઇ શકે તેવું લાગતું હોય અને તેઓ લાયક કોઈ સેવાનો લાભ હોય તો તેઓ કોઈપણ જગ્યાએ સેવા આપવા તત્પર છે. વધુમાં તેઓએ જણાવેલ છે કે તેઓ સ્વૈચ્છિક રીતે કોઈપણ પ્રકારની લોભ-લાલચ કે વેતનની જરૂરિયાત વગર ફક્ત માનવીય અભિગમથી સેવા કરવા માંગે છે. આમ, મોરબીના વતની બે રિટાયર્ડ આર્મીમેને કોરોના સામેની જંગમાં સહયોગી બનવા તત્પરતા દાખવી છે.