પોલીસે આરોપીઓ પાસેથી ચોરાઉ મુદામાલ તેમજ ઇકો કાર મળી કુલ રૂ. ૨,૧૬,૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો મોરબી : મોરબીના લાલપર ગામે થોડા દિવસો અગાઉ બે દુકાન અને કારખાનાની બહાર લોખંડ સહિતની માલમતાની ચોરી થઈ હતી. આ ચોરીના બનાવનો મોરબી તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો અને લાલપર ગામે બે દુકાન અને કારખાનામાં ચોરી કરનાર બે સગા ભાઈઓને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી ચોરાઉ મુદામાલ તેમજ ઇકોકાર મળી કુલ રૂ. ૨,૧૬,૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ સામે ત્રિમૂર્તિ ચેમ્બરમાં શ્યામ એજીનીયરીંગ નામની દુકાનની ખુલ્લી જગ્યામાં બહાર પેડેશન બનાવવા માટેના નાના મોટા લોખંડના પાઇપ નંગ ૪ કિંમત રૂ. ૧૮,૨૪૦ તથા લાલપર ગામ પાસે ઇન્કમટેક્ષની ઑફીસની બાજુમાં શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ નામની કન્વર બેલ્ટ નામની દુકાનની બહાર રાખેલ લોખંડના કન્ટેનર ડૂમ નંગ ૨ કિંમત રૂ. ૧૦૦૦૦ તેમજ રફાળેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ વૈશાલી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની કંપાઉન્ડની દિવાલ બહાર રાખેલ લોખંડનો આશરે ૧૪૦ કિલો ગ્રામનો ફેબ્રિકેશનનો એક સેટની કિંમત રૂ. ૬૦૦૦ આમ કુલ મળીને તસ્કરો રૂ. ૩૪,૨૪૦નો લોખંડનો મુદામાલ ચોરી કરી ગયા હતા. ગત તા. ૩ મેના રોજ આ ચોરીનો બનાવ બન્યા બાદ બે દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. આથી, એસ.પી. એસ. આર. ઓડેદરા તથા ડી.વાય.એસ.પી. રાધીકા ભારાઇની સૂચનાને પગલે તાલુકા પી.આઇ. એમ. આર. ગોઢાણીયા સહિતની ટીમ ચોરીનો ભેદ ઉકેલવા કામે લાગી હતી. દરમ્યાન પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ પટેલને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એક કારનો રફાળેશ્વરથી જાંબુડીયા પુલ નજીક પીછો કરીને આરોપીઓ બન્ને ભાઈ અનિલ પરબતભાઇ ચાવડા અને પવન પરબતભાઇ ચાવડાને ઝડપી લીધા હતા. તેમજ ચોરાઉ મુદામાલ તેમજ ઇકો કાર મળી કુલ રૂ. ૨,૧૬,૦૦૦નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.