મોરબીમાં ખાખી પહેરીને આંટાફેરા કરતા ઝડપાયેલા બન્ને શખ્સોએ લોકો પ્રેમથી આપે તો પૈસા લેતા હોવાનો રાગ આલોપ્યો મોરબી : મોરબી શહેર અને જિલ્લામા ખાખી કપડાં પહેરી પોલીસનો સ્વાંગ રચી નિર્દોષ લોકોને નિશાન બનાવી તોડ કરતી ગેંગ સક્રિય બની છે ત્યારે આજે મોરબી શહેરમાં ખાખી કપડાં પહેરી આંટાફેરા કરતા બે શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. જો કે, પોલીસના હાથે ઝડપાયેલા બન્ને શખ્સોએ પોતે બહુરૂપી હોવાનું અને લોકો પ્રેમથી પૈસા આપે તો લેતા હોવાની કબૂલાત આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમયથી મોરબી શહેરમાં તેમજ હાઇવે રોડ ઉપર ખાખી કપડામાં બહુરૂપી તરીકે આંટા મારી લોકો પાસેથી રૂપીયાની માંગણી કરતા હોય તેવી વ્યાપક ફરિયાદ વચ્ચે વાયરલેસ પીએસઆઇ પી.ડી.પટેલને બાતમી મળી હતી કે, બે ઇસમો ખાખી કપડામાં ખાટકીચોક વિસ્તારમાં આંટા મારી રહ્યા છે. જેથી પોલીસ ટીમે તપાસ કરતા બંને ઇસમો બહુરૂપી તરીકે વિસ્તારમા આંટામારી લોકો પાસેથી સ્વેચ્છાએ જે કોઇ રૂપીયા આપે તે સ્વીકારતા હોય તેમ જણાવેલ હતું. પોલીસની પૂછપરછમાં બહુરૂપી તરીકે ઓળખ આપનાર શખ્સ પ્રેમનાથ દેવનાથ (ઉ.વ.૩૦, રહે. મોરબી, નવલખી ફાટક, પરશુરામ મંદીર પાસે, મુળ રહે.સાધનપુર, તા.ધાર,એમ.પી) તથા પંકજભાઇ રાજેશભાઇ પઢીયાર (ઉ.વ.૧૯, રહે.મોરબી, નવલખી ફાટક, પરશુરામ મંદીર પાસે, મુળ રહે.બેટમાજલારા, તા.દેપાલપુર જી.ઇન્દોર, એમ.પી) હોવાનું બહાર આવ્યું હતું. તેમજ બન્ને ઇસમો બહુરૂપી તરીકે અલગ અલગ કપડા પહેરી લોકો પાસેથી પ્રેમથી રૂપીયા આપે તે લઇ લેતા હોય તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસના નામે રોફ ઝાડવાના કિસ્સા વધ્યા છે ત્યારે આજે બન્ને બહુરૂપીને ઝડપી લીધા બાદ મોરબી શહેરની જનતાને આવા કોઇ ઇસમો લોકો પાસેથી ગૌ-સેવા કે અન્ય બહાને પોલીસના નામે બળજબરી પૂર્વક એનકેન પ્રકારે રૂપીયાની માંગણી કરે તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ મોરબી જીલ્લા કન્ટ્રોલરૂમને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..