જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાનું કડક પગલું મોરબી : મોરબી જેલમાં બંધ ધ્રોલના ચકચારી હત્યા કેસના આરોપીને લકઝરી ફોર્ચ્યુનર કારમાં જામનગર કોર્ટમાં મુદતે લઈ જવા પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ ત્વરિત કડક પગલા ભરી કેદીપાર્ટીના હેડ કોન્સ્ટેબલ અને એલઆરડી જવાનને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ ધ્રોલ હાઇવે ઉપર સરાજાહેર દિવ્યરાજસિંહ જાદુવીરસિંહ જાડેજા નામના યુવાનની હત્યા પ્રકરણમાં મોરબી જેલમાં બંધ હત્યાકેસના મુખ્ય આરોપી ઓમદેવસિંહ જાડેજાની ગઈકાલે જામનગર કોર્ટમાં મુદત હોય મોરબી હેડ પોલીસ હેડ ક્વાર્ટસની કેદીપાર્ટી આરોપીને સરકારી રાહે કોર્ટમાં લઈ જવાને બદલે આરોપીની લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં લઈ ગયા હોવાનો વિડીયો વાઇરલ થવાની સાથે હત્યાનો ભોગ બનેલા યુવાનના પરિજનોએ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા આ બનાવના ઘેરા પડઘા પડયા હતા. દરમિયાન આ ગંભીર બેદરકારી અને હત્યાકેસ જેવા બનાવના આરોપીઓને લકઝરી સુવિધા પૂરી પડવાના પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ કેદીપાર્ટીમાં ગયેલા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ મંગાભાઈ ચાવડા અને એલઆરડી જવાન જગદીશભાઈ રમેશભાઈ રંગપરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કડક પગલું ભરી ખાતાકીય તપાસ શરૂ કરવા આદેશ જારી કર્યાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.