તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો : બન્ને શખ્સોને માંડલ નજીક બાઈક અને રોકડ સાથે ઝડપી લીધા મોરબી : મોરબીના લીલાપર નજીક આવેલા પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવાના બહાને એક લાખથી વધુની રોકડ ભરેલ થેલાની મહિલા સહિતના ત્રણ શખ્સોએ ચોરી કરતા મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં આ બનાવનો ભેદ ઉકેલી નાખી ઉંચી માંડલ નજીકથી મોટર સાયકલ સાથે રોકડ લઈને નીકળેલા બે શખ્સોને ગિરફતમાં લઈ અણ ઉકેલ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી લીલાપર ચોકડી નજીક આવેલ અમર રતન પેટ્રોલપંપ ખાતે અજાણ્યા બે પુરૂષ અને એક સ્ત્રી એમ ત્રણ અજાણ્યા માણસો બજાજ ડીસ્કવર મોટરસાયકલ લઇ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા આવી તેમાં એક માણસે પેટ્રોલપંપના ટેબલના ખાનામાં પડેલા રૂપિયા 1,03,460 ભરેલ બેગ ચોરી છુપી રીતે કાઢી લઇ ચોરી કરી લઇ ગયા હતા. આ ગુન્હામાં પેટ્રોલપંપના સી.સી.ટીવી કેમેરાના ફુટેજ તપાસ કરતા ગુન્હેગારો બજાજ ડીસ્કવર લઈને આવ્યા હોવાનું જાણવા મળેલ જે બાબતે મોરબી શહેરના નેત્રમ પ્રોજેકટમાં તપાસ કરતા આ ડીસ્કવર મોટરસાયકલના રજીસ્ટર નંબર GJ-03-EJ-6665 વાળા હોવાનું અને તેમાં બે પુરૂષ હોય અને એક સ્ત્રી હોવાનુ સામે આવેલ બીજી તરફ પોલીસ તપાસમાં આ મોટર સાયકલ મોરબી શહેરમાંથી જુના ઘુંટુ રોડ તરફ ગયેલ હોય જેથી ઘુંટુ ગામ તથા ઉંચી માંડલ ગામ તરફ તપાસ કરતા પો.કોન્સ. જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગઢવીને બાતમી મળેલ કે, આરોપીઓ ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ લઇ ચોરી કરેલ રૂપિયા સગેવગે કરવાની પેરવીમાં હોય અને હળવદ તરફ જવાના હોય જેથી ઉંચી માંડલ ગામે વોચ ગોઠવી તપાસ કરતા એક બજાજ ડીસ્કવર મોટરસાયકલ રજી નંબર GJ-03-EJ-6665 વાળુ મોરબી તરફથી આવતા તેને રોકી તપાસ કરતા આરોપી પિન્ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયા, અને હરેશભાઇ સઓ જગુભાઇ શંકરભાઇ અઘારીયા, રહે.હાલ-ઉમીયા સર્કલ પાસે,ઝુંપડામાં મોરબી-૧ મુળ ગામ-ધ્રાંગધ્રા, મેળાના મેદાનમાં તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી ચોરીમાં ગયેલ કાળા કલરના થેલામાં રોકડા રૂપિયા હોય જે ગણી જોતા રૂપિયા 82,900 હોય જે બાબતે સઘન પુછપરછ કરતા લીલાપર ચોકડી પાસે આવેલ અમર રતન પેટ્રોલપંપ ખાતેથી ચોરી છુપીથી ચોરી કરેલની કબુલાત આપી હતી. વધુમાં મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓના કબ્જામાંથી GJ-03-EJ-6665 નંબર વાળુ મોટર સાયકલ કિંમત રૂપિયા 20 હજાર તેમજ મોબાઇલ નંગ-4 કિ.રૂ 15000કબ્જે કરી બન્નેના કોરોના ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પિન્ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયા અગાઉ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમ ચોરીના ગુન્હામાં ઝડપાઇ ગયો છે. આ સફળ કામગીરી મોરબી તાલુકા પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.બી.પીઠીયા, પો.હેડ.કોન્સ. વી.એસ.ડાંગર, પો.કોન્સ.જયદિપભાઇ પટેલ, પંકજભા ગઢવી તથા વિજયભાઇ સવસેટા દ્વારા કરવામાં આવેલ હતી.