ફાયર વિભાગે બન્ને સ્થળોએ જઈ કુવા અને તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યામોરબી : ટંકારા તાલુકામાં આજે પાણીમાં ડૂબી જવાથી બે અલગ અલગ જગ્યાએ બે લોકોના મોત નિપજ્યા છે. બન્ને જગ્યાએ મોરબીની ફાયર ટીમે પહોંચી મૃતદેહોને બહાર કાઢી આપ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના જીવાપર ગામ નજીક વાડીમાં કૂવામાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકોએ ફાયર ટીમનો સંપર્ક કર્યો હતો. ફાયરની ટીમે સવારે 8 વાગ્યે ત્યાં દોડી જઇ 60 ફૂટ ઊંડા કુવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં પોલીસની મદદથી મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. બીજા એક બનાવમાં ટંકારાના લજાઈ પાસે તળાવમાં કનુભાઈ સીમલાભાઈ ભુરિયા ઉ.વ.60 ડૂબી ગયા હતા. જે અંગે ફાયરની ટીમને જાણ થતાં ફાયરની ટીમે ત્યાં સવારે 10:30 વાગ્યે પહોંચીને મૃતદેહને ગ્રામજનોની મદદથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડયો હતો. આ ઉપરાંત સવારે 10:31 વાગ્યે ફાયરની ટીમને લાલપર ડમ્પીંગ યાર્ડની બાજુમાં કચરામાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયરની ટીમે ત્યાં જઈ આગ બુઝાવી હતી. આમ આજે સવારે ફાયર વિભાગને 2 રેસ્ક્યુ અને 1 ફાયર મળી કુલ 3 કોલ મળ્યા હતા.