મોરબીમાં પરપ્રાંતિય શ્રમિકોનું પલાયન રોકવા બે અધિકારીઓને જવાબદારી સોંપાઇ લેબર ઓફિસર મેહુલ હીરાણી તેમજ ડૉ. દિશા કાનાણીને વિશેષ ફરજ સોંપાઇ મોરબી : કોરોના વાઇરસ(COVID-19)ના કારણે થયેલ લોકડાઉનના પગલે મોરબી જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝ તથા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીકામ સાથે સંકળાયેલા પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતનમાં જવા માટે અવારનવાર પગપાળા નીકળી જતાં હોવાનું વહીવટી તંત્રના ધ્યાનમાં આવેલ છે. શ્રમિકોને રહેવા જમવાની વ્યવસ્થા તેમાં યુનિટ ખાતે જ કરવામાં આવેલ હોવા છતાં પૂરતા માર્ગદર્શનના અભાવે તેઓ તેમના વતનમાં જવા માટે રોડ પર પગપાળા નીકળે છે. હાલમાં લોકડાઉન અમલી હોય અને બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ હોય, શ્રમિકોને સામૂહિક રીતે માઈગ્રેટ થતાં અટકાવવા અને તેમને પૂરતી સમજ આપવા માટે બે લેબર ઓફિસરને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા આ બન્ને અધિકારીઓને હુકમ કરીને શ્રમિકોને માઇગ્રેટ થતાં અટકાવવા તેમજ વતનમાં ન જવા માટે પૂરતી સમજણ આપવાની કામગીરી સોંપવામાં આવી છે. લેબર ઓફિસર, મેહુલ હીરાણી મો.નં. ૯૯૭૮૧૨૦૭૮૭ અને ડૉ. દિશા કાનાણી મો.નં. ૯૧૭૩૫૪૫૨૮૮ આ બંને અધિકારીશ્રીઓ સમગ્ર મોરબી જિલ્લામાં સમાવિષ્ટ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને ખેતીકામમાં રોકાયેલા શ્રમિકોની મુલાકાત લઈ તેમને પોતાનું સ્થળ છોડીને ન જવા પૂરતી સમજ આપશે.