આજે કુલ 7 શંકાસ્પદ કેસો નોંધાયા : તમામના રિપોર્ટની જોવાતી રાહ મોરબી : મોરબીમાં વધુ બે યુવાનોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેથી આજના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા સાતે પહોંચી છે. હાલ આરોગ્ય તંત્ર દ્વારા આ તમામના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મોરબીના સિવિલ હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ આજે બુધવારે જાંબુડિયા પાસે રહેતા પરિવારના ચાર વર્ષના બાળક, ઘુંડળા રોડ પર રહેતા 76 વર્ષના વૃદ્ધ, ઉમા ટાઉનશીપમાં રહેતા 90 વર્ષના વૃદ્ધ મહિલા, 25 વર્ષના યુવાન અને 4 વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને તેઓના સેમ્પલ લઈને રિપોર્ટ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યારે આજે સાંજે પણ આ સિલસિલો યથાવત રહ્યો છે. વધુ બે યુવાનોમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેમાં મોરબી શહેરના પંચાસર રોડ ઉપર રહેતા 27 વર્ષના યુવાન તેમજ સામાકાંઠે રહેતા 30 વર્ષના યુવાનને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ બન્નેના સેમ્પલ લઈને તેઓને રિપોર્ટ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલ આરોગ્ય તંત્ર દ્વારા આજના કુલ 7 શંકાસ્પદ દર્દીના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.