જમીન સોદાના બહાને અપહરણ કરી હત્યા નિપજાવ્યા બાદ કારખાનામાં લાશ સળગાવી ઉપર સિમેન્ટનું ધાબુ ભરી દીધું હતુંમોરબી: મોરબીમાં જમીન દલાલ તાજમહંમદભાઈ ભટ્ટીની ગત તા. ૧૯/૨ ના રોજ જમીનના સોદાના બહાને કારમાં બેસાડી અપહરણ કરી હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને પીપળી અને બેલા ગામની વચ્ચે શિવાય કોલ નામના બંધ પડેલા કારખાનામાં ખાડામાં સળગાવી દઈ તેના પર સિમેન્ટનું ધાબુ કરી નાખવામાં આવ્યું હતું. આ ચકચારી હત્યા કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસે અગાઉ ૫ આરોપીઓને ઝડપી લીધા હતા, ત્યારે હવે વધુ ૨ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૧૯/૨ ના રોજ બાલુભાઈ અધારા તાજમહંમદભાઈને લાલબાગ સેવા સદન પાસેથી કારમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેઓ ગુમ થતા પરિવારે પોલીસમાં ગુમસુધા નોંધાવી શંકાસ્પદ તરીકે બાલુભાઈ અધારાનું નામ આપ્યું હતું. પોલીસે આકરી પૂછપરછ કરતા બાલુભાઈ ભાંગી પડ્યો હતો અને હત્યા તથા લાશના નિકાલની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બંધ કારખાનામાંથી ખાડો ખોદીને મૃતકના અવશેષો બહાર કાઢ્યા હતા.આ બનાવ સંદર્ભે મૃતકના દીકરા રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ૭ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી થોભણભાઈ અધારાએ ફરિયાદીના પિતાને જમીનનો સોદો કરાવી રૂપિયા મેળવી લીધા હતા, પરંતુ દસ્તાવેજ કર્યા ન હતા. આ બાબતે રૂપિયા કઢાવવા માટે પિતાનું અપહરણ કરી ભડીયાદ ગામ પાસે આવેલ બાલુભાઈના ફાર્મ હાઉસ ખાતે લઈ જવાયા હતા. ત્યાં બાલુભાઈ અધારાએ પ્લાસ્ટિકના પાઇપ વડે, જીતેશભાઈએ લાકડાના ધોકા વડે અને બાકીના આરોપીઓએ ઢીકાપાટુનો માર મારતા ગંભીર ઈજાઓ પહોંચવાથી તાજમહંમદભાઈનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ તે જ દિવસે મોડી રાતે ખાનગી વાહનમાં લાશને પીપળી અને બેલા વચ્ચેના બંધ કારખાનામાં લઈ જઈ, ખાડો ખોદી લાશ પર લાકડા અને ડીઝલ જેવો જ્વલંતશીલ પદાર્થ છાંટી સળગાવી દેવાઈ હતી. આટલું જ નહીં, પુરાવાનો નાશ કરવા ખાડો બૂરવા માટી નાખી અને ઉપર સિમેન્ટથી ધાબુ કરી દેવાયું હતું.આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે અગાઉ બાલુભાઈ થોભણભાઈ અધારા, રમેશભાઈ અરજણભાઈ અધારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, જયદીપભાઈ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અધારાની ધરપકડ કરી હતી. જ્યારે હાલમાં બી ડિવિઝનના પીઆઇ વી.એન.પરમાર અને તેમની ટીમ દ્વારા વધુ બે આરોપીઓ જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા (ઉ.વ.૩૮, રહે. વેલકમ પ્રાઈડ રવાપર, મોરબી) અને ભાવેશભાઈ થોભણભાઈ અધારા (ઉ.વ.૩૩, રહે. વૈભવ વિલા એપાર્ટમેન્ટ, ઉમિયા ચોક, મોરબી) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત લાશને સગેવગે કરવામાં ઉપયોગમાં લેવાયેલ આઈ 20 કાર પણ કબજે લેવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #MurderCase #MorbiPolice #Arrests #GujaratNews