બન્ને વિધાર્થીઓ એકદમ તંદુરસ્ત : ચીનની હોસ્ટેલમાં આ વાયરસનો પગપેસારો થાય તે પહેલાં જ મોરબીના વહીવટી તંત્ર અને ભારત તથા ચીની સરકારના સંકલનથી બન્ને વિધાર્થીઓ હેમખેમ પરત ફર્યા મોરબી: ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.આ કોરોના વાયરસના સંકજામાં અનેક લોકો સપડાયા છે.તેથી કોરના વાયરસને કારણે લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો છે.ત્યારે ચીનમાં રહેતા ભારતના લોકો પરત આવી રહ્યા છે.જેમાં કોરોના વાયરસના કારણે ચીનમાં અભ્યાસ કરતા મોરબીના બે વિદ્યાર્થીઓ મોરબી પરત ફરી રહ્યા છે, આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ચીનનાં નાનચંગ શહેરમાં આવેલ જીઆંગજી યુનિવર્સીટી ઓફ ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસિનમા અભ્યાસ કરતા મોરબીના પાર્થ બિપિનભાઈ વ્યાસ અને મિલન દેવાયતભાઈ ડાંગર મોરબી પરત ફરી રહ્યા છે, હાલ મોરબીના આ બન્ને વિદ્યાર્થીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે.ત્યાંથીઅમદાવાદથી મોરબી આવવા નીકળી ગયા છે. પાર્થના પિતા અને સામાજિક અગ્રણી બીપીનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ,તેમના પુત્ર સહિત બન્ને વિધાર્થીઓ ચીનની જે હોસ્ટેલમાં રહેતા હતા.ત્યાંથી થોડે દુર જ આ કોરોના વાયરસની અસર હતી અને ચીનની આ હોસ્ટેલમાં પણ કોરોના વાયરસનો પગ પેસારો થાય તેવું પૂરેપૂરું જોખમ હતું.આથી હોસ્ટેલની કેન્ટીન બંધ થઈ ગઈ હતી.બાદમાં કોરોના વાયરસની અસર થવાની શકયતાને પગલે તેમણે પોતાના પુત્ર સહિત બન્ને વિધાર્થીઓને હેમખેમ પરત વતન લાવવાની તજવીજ હાથ ધરી હતી.આ માટે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ ચીની સરકારને પત્ર લખી બન્ને વિધાર્થીઓને હેમખેમ વતન પરત લાવવા માટે યોગ્ય સહકાર અપાવની માંગ કરી હતી.તેમજ મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ ,અધિક કલેકટર કેતન જોશી તથા જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ પણ અથાક પ્રયાસો કર્યા હતા.આ રીતે ભારત સરકાર અને ચીની સરકારના હકારાત્મક અભિગમ અને સંકલનના કારણે બન્ને મોરબીના વિધાર્થીઓ ચીનથી હેમખેમ પરત ફર્યા છે.જોકે બન્ને વિધાર્થીઓના મેડિકલ જરૂરી ટેસ્ટ કરાવ્યા છે જેમાં બન્ને ભયમુક્ત હોવાનું જાહેર થયું છે. અને બન્ને વિધાર્થીઓ એકદમ તંદુરસ્ત છે.જોકે ચીનની આ હોસ્ટેલમાં ભારતના અન્ય વિદ્યાર્થીઓ પણ હજુ છે.તેથી તેમને પણ હેમખેમ પરત લાવવા ભારત સરકાર અને ચીની સરકાર આવો જ યોગ્ય સહકાર આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.