હળવદ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા, બાદમાં પોલીસે રિવિઝન અરજી કરતા મોરબી સેશન્સ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યાહળવદ : હળવદમાં વેપારીને આંખમાં મરચાની ભૂકી છાંટીને રૂ. 6.90 લાખની લૂંટ કરવાના બનાવમાં પકડાયેલા બન્ને શખ્સોને રિમાન્ડની માંગણી સાથે હળવદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે કોર્ટે આરોપીના રિમાન્ડ મંજુર ન કરતા પોલીસે મોરબી સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ મારફત રિમાન્ડ રિવિઝન અરજી કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝમાં રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતાં રજનીકાંત ભીખાભાઈ દેથરીયાએ અજાણ્યા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે, તા. 2 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તે યાર્ડથી થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાણેકપર રોડ ઉપર બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી.આ ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઈ હળવદિયા રહે. વીસીપરા, મોરબી તથા કિશન મોતીભાઈ પરસાડીયા રહે. દલવાડી સર્કલ પાસે મચ્છોનગર, મોરબીવાળાની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ રોકડ પૈકી 5,11,800 રૂપિયા અને લૂંટના રૂપિયાથી ખરીદી કરેલ આઈ-20 કાર નંબર જીજે 27 એએચ 2440 અને લૂંટના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલ ચોરી કરેલ બાઈક નંબર જીજે 6 એઆર 2534 કબ્જે લેવામાં આવ્યું હતું.આ બંને આરોપીના રિમાન્ડ માટે તેને હળવદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, હળવદ કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા ન હતા. જેથી બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હળવદના પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પીઆઇ ડી.વી. કાનાણી દ્વારા મોરબી સેશન્સ કોર્ટમાં હળવદ લૂંટના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ લેવા માટે જિલ્લાના સરકારી વકીલ વિજયભાઇ જાની મારફતે રિમાન્ડ રિવિઝન અરજી કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મોરબીના સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબે બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી હવે પોલીસ દ્વારા બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવશે.