ધ્રાંગધ્રાના પીપળા ગામેથી પણ 50 ગાયો ગુમ કર્યાની ફરિયાદ નોંધાઈ : આરોપી એવા ચીખલી ગામના પિતા-પુત્ર દૂધ ન આપતી હોય તેવી ગાયો નજીવા પૈસા લઈને ચારવા માટે લેતા, બાદમાં તેની કતલ કરી નાખતા હળવદ : મોરબી જિલ્લામાં ગૌમાતાની કત્લેઆમ થઈ હોવાનો પર્દાફાશ થયો છે. માળિયા(મી.) પંથકમાંથી 13 ગાયોને ગુમ કરી તેની કતલ કરનાર પિતા-પુત્રએ હળવદ પંથકમાંથી પણ 45 ગાયો ગુમ કરીને તેની હત્યા કરી હોવાનું ખુલ્યા બાદ ધ્રાંગધ્રાના પીપળા ગામેથી પણ 50 ગાયો ગુમ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આમ આ પિતા પુત્રએ 108 ગાયો ગુમ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.માળીયા મીયાણાના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપી હતી. જે પૈકીની 14 જેટલી ગાય પરત ન આપતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી.બાદમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 14 ગાયો વેચી નાખવામાં આવી હતી. જે ચાર શખ્સોએ આ ગાયો ખરીદી તેઓ 13 ગાયોની કતલ કરી નાખી હતી. માળિયા તાલુકા પોલીસે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલીવાળા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બાદમાં અન્ય 4 શખ્સોના નામ પણ ખુલતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર જિલ્લામાં માલધારીઓ તેમજ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવી આવી તો 100થી વધુ ગાયોની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. હવે આ વાત સાચી ઠરી છે. કારણ કે આરોપી પિતા પુત્ર વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પણ ફરિયાદ નોંધાઈ હતી. મેહુલભાઈ અરજણભાઈ ગોલતર રહે.નવા અમરાપર નામના ફરિયાદીએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે પિતા પુત્ર એવા મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણી બન્ને રહે. ચીખલીવાળાએ સાતેક મહિના પહેલા તેમની 25 ગાયો તથા જીવણભાઈ ખેતાભાઇની 20 ગાયો ચરાવવા લીધી હતી. આમ કુલ 45 ગાયો તેઓ લઈ ગયા હતા. જે ગાયો તેઓએ પરત આપી ન હતી અને ક્રુરતા પૂર્વક કાપી કે કપાવી નાખી છે. વધુમાં ધ્રાગંધ્રા પોલીસમાં પણ ગોપાલભાઈ ગોલતરે ફરિયાદ નોંધાવી છે કે તેઓના પીપળા ગામેથી આ આરોપી પિતા-પુત્રએ દોઢેક માસ પૂર્વે 50 ગાયો ચરાવા લીધી હતી. ત્યારબાદ તેઓએ ગાયો પરત ન આપી હતી. ગાયો જંગલ વિસ્તારમાં જતી રહેલ છે તેવા જવાબો આપ્યા હતા. આમ અત્યાર સુધીમાં આ પિતા-પુત્રએ કુલ 108 ગાયો ગુમ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.