ડામર અને સીસીરોડના મિશ્રણ વાળા રોડનું એક વર્ષ કરતા વધુ સમયથી ચાલતું કામ : રૂ.55 કરોડના ખર્ચે બની રહેલા રોડનું કામ સમયમર્યાદા પહેલા પૂર્ણ થવાનો અધિકારીનો આશાવાદમોરબી : મોરબી શહેરના રવાપરથી ઘુનડા ગામને જોડતા 21 કિલોમીટરના ડામર અને સીસીરોડના સંયુક્ત કામમાં ધીમીગતિએ ચાલતી કામગીરીને કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. જો કે, અગાઉ સિંગલપટ્ટી રોડને 10 મીટર પહોળો કરવાનું કામ હાલમાં માત્ર બે કિલોમીટર જેટલું જ બાકી હોય સંબંધિત અધિકારીએ સમયમર્યાદા પહેલા કામ પૂર્ણ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.મોરબીના રવાપરથી ઘુનડા ગામને જોડતા કુલ 21 કિલોમીટર લંબાઇના સિંગલપટ્ટી રોડને 10 મીટર પહોળો બનાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.55 કરોડના ખર્ચે તા.1 એપ્રિલ 2025મા કામ શરૂ કરવામાં આવ્યું હતું.આ રોડનું કામ પૂર્ણ કરવા માટે તા.30 સપ્ટેમ્બર 2026ની મુદત છે ત્યારે હાલમાં રવાપર ગામ આજુબાજુના વિસ્તારમાં રોડની કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલતી હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.રવાપર ઘુનડા રોડના કામ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, અગાઉ સિંગલપટ્ટી રોડને 10 મીટર પહોળો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.હાલમાં માત્ર બે કિલોમીટર જેટલી જ કામગીરી બાકી છે.કુલ 21 કિલોમીટરના રોડના 12 કિલોમીટર ડામર તેમજ 9 કિલોમીટરનો માર્ગ સીસીરોડ બનાવવામાં આવી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, રોડનું કામ સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ કરવાની મુદત છે પરંતુ ટૂંક સમયમાં જ બે કિલોમીટર સીસીરોડનું બાકી કામ પૂર્ણ થતાં જ ડિવાઈડર સહિતની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે.પીજીવીસીએલના પોલ અને દબાણો રોડ બનાવવામાં નડતરરૂપરવાપર - ઘુનડા રોડ બનાવવાની કામગીરીમાં વિલંબ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, આ રોડ પર નડતરરૂપ દબાણ અને પીજીવીસીએલના પોલ હટાવવાનું કામ બાકી હોવાથી રોડના કામને અંતરાય આવ્યો છે.સાથે જ પાણી પુરવઠા વિભાગ દ્વારા અગાઉ આડેધડ લાઈનો નાખવામાં આવી હોય આ લાઇન શિફ્ટ કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી રોડની કામગીરીને અસર પડી રહી છે.