અજાણ્યા વાહન ચાલકે ડબલસવાર બાઈકને ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો ટંકારા : ટંકારાના મિતાણા-પડધરી રોડ ઉપર હમીરપર ગામના પાટીયા નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહન ચાલકે ડબલસવાર બાઈકને ટક્કર મારતા બાઈક પર બેઠેલા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવ બાદ બન્ને મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના રેલનગર મેઇન રોડ ઉપર આવેલ સંતોષનગરમાં રહેતા ટીશાભાઈ ગોગાભાઈ ભરવાડ (ઉ.વ.૬૭) તથા મિતાણા ગામે રહેતા વાલાભાઈ ભાનાભાઇ ભરવાડ (ઉ.વ.૬૨) નામના બે વ્યક્તિઓ આજે સવારે સાડા નવ વાગ્યાના સુમારે ટંકારાના મિતાણા-પડધરી રોડ ઉપર હમીરપર ગામના પાટીયા નજીક જી.જે.3 જે.એચ.1760 નંબરના મોટરસાયકલ ઉપર ડબલ સવારીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે આ ડબલ સવાર બાઇકને જોરદાર ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી વાલાભાઈ ભાનાભાઇ ભરવાડ અને ટીશાભાઈ ગોગાભાઈ ભરવાડના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બાદ બન્ને મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.