માળીયાના સરવડ અને બરાર ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત માળીયા (મી.) : માળીયા તાલુકાના સરવડ અને બરાર ગામ નજીક આજે સવારે બે આઇસર ટ્રક સામસામા ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને આઇસર ટ્રકના ચાલકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એક આઇસર ટ્રકના ક્લીનરને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા મીયાણા પોલીસ મથકના પોલીસ કર્મચારી ક્રિપાલસિંહે વિગતો આપતા જણાવ્યું હતું કે, માળીયા તાલુકાના સરવડ અને બરાર ગામ વચ્ચે આજે સવારે બે આઇસર ટ્રક સામસામા અથડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી એક આઇસર ટ્રકના ચાલક ધીરુભાઈ ભૂંસાભાઈ દેવીપૂજક (ઉ.વ.62, રહે. ઉપલેટા)નું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથેનો ક્લીનર વિવેકભાઈ વલ્લભભાઈ સોલંકી (ઉ.વ.25) અને સામેના આઇસર ટ્રકના ચાલક રસુલભાઈ દાઉદભાઈ (ઉ.વ.54) ને ગંભીર ઇજા થતાં આ બન્નેને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રસુલભાઈ દાઉદભાઈનું પણ મોત નીપજ્યું હતું. એક આઇસર ટ્રક બટેકા ભરીને ઉપલેટાથી જામનગર તરફ જઈ રહ્યો હતો. જ્યારે બીજો આઇસર ટ્રક પ્લાસ્ટિકના દાણા ભરીને અમદાવાદ તરફથી આવી રહ્યો હતો. આ બન્ને ટ્રક માળીયા પાસે સામસામા અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે બન્ને મૃતકોના પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં બન્ને આઇસરચાલકોનો ભોગ લેવાતા બન્નેના પરિવારોમાં અરેરાટી મચી ગઇ હતી.