ત્રણ બાળકોને લઈને માતા રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી તે વેળાએ સર્જાઈ દુર્ઘટના : દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવહળવદ : હળવદ નજીક આજે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક મહિલા અને તેના ત્રણ બાળકો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેન નીચે આવી જતા બે બાળકોના કરુણ મોત નિપજ્યા છે. બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચે આવેલા 109 નંબરના નાલા પાસે આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મંગુબેન દશરથભાઈ બજાણીયા નામના મહિલા તેના ત્રણ બાળકોને લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન માલગાડીની હડફેટે બે બાળકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ગોપીબેન દશરથભાઈ બજાણીયા ઉ.વ.5 અને નિકુલ દશરથભાઈ બજાણીયા ઉ.વ. 3.5ના મોત નિપજ્યા છે. જ્યારે તેમના માતા મંગુબેન દશરથભાઈ બજાણીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં અન્ય એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ મામલે રેલવે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે બનાવ અંગે જાણ થતાં સરપંચ વિષ્ણુભાઈ સિંહોરા ઘટના સ્થળે દોડી ગયા હતા. તેઓએ આ મામલે તંત્રને જાણ કરી હતી.