ઘરે, ઓફિસે કે ફેકટરીમાં કામ કરતા લોકોની નોંધણી પોલીસ મથકમાં હોય તો કોઈ અણબનાવ બાદ તુરંત તેનો પતો મેળવી શકાય મોરબી : મોરબીમાં છેલ્લા થોડા જ દિવસોમાં ચોકીદાર જ ચોર નીકળ્યાની બે ઘટના સામે આવી છે. જેને પગલે પોલીસે ઘરે, ઓફિસે કે ફેક્ટરીએ કામ કરતા પરપ્રાંતીયોની નોંધણી કરાવવાની લોકોને અપીલ કરી છે. મોરબીમાં ગત તા.22ના રોજ મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા વૈભવનગર વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-501માંથી રોકડ રૂ.12,50,000 તેમજ સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજવસ્તુઓ મળી રૂ.13,24,000ના મુદામાલની ચોરી કરી હતી. જેમાં ચોકીદાર તરીકે કામ કરતા મૂળ નેપાળના વતની રાજેશ અને તેમના મકાનમાં ધરકામ કરતી સરિતા રાજેશ તેમજ બાજુના એપાર્ટમેન્ટનો ચોકીદાર ભેરુ ઉર્ફે ભરત વિશ્વકર્માએ આ ગુનો આચાર્યાનું ખુલ્યું હતું. બીજી તરફ આજે મોરબીના કાયાજી પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ મકાનમાં 1100 ગ્રામ સોનાના દાગીના અને રૂ. 15 લાખ રોકડાની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં પણ ચોકીદાર સદૈય બહાદુર વિશ્વકર્મા અમે એમની પત્ની બિંદુએ ગુનાને અંજામ આપ્યાનું જાણવા મળી રહ્યું છે. આમ મોરબીમાં છેલ્લા થોડા દિવસોમાં ચોકીદાર જ ચોર નીકળ્યાની બે ઘટના બની છે. આ મામલે એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ લોકોને અપીલ કરી છે કે ઘર, ઓફિસ કે ફેકટરીમાં કામે રાખતી વેળાએ કર્મચારીઓની પોલીસ મથકે નોંધણી જરૂરથી કરાવો. આ ઉપરાંત જો કોઈ ઘર બંધ રાખી બહારગામ જવાના હોય તો પોલીસ મથકે જાણ કરે જેથી પોલીસ તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરે અને આવા બનાવો બનતા અટકાવી શકે.