હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ (સુર્યનગર)ગામે હળવદ પોલીસ દ્વારા જુદી જુદી બે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે.પોલીસ દ્વારા બંને દારૂની ભઠ્ઠીમાંથી કુલ 800 લીટર દેશી દારૂ ગાળવાનો આથો પણ ઝડપી લીધો હતો.પોલીસની આ કાર્યવાહીથી દેશી કલાકારો ફફડી ઊઠ્યા છે. હળવદ તાલુકાના સુંદરગઢ ગામનાં કેટલાક શખ્સો દ્વારા દેશી દારૂ ગાળતા હોય જેના કારણે અવારનવાર પોલીસ ચોપડે ગામનું નામ ચમકતું રહ્યું છે જેના કારણે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સુંદરગઢ (સૂર્યનગર)ગામમાં રહેવું મુશ્કેલ બન્યું છે. જોકે પોલીસની કાર્યવાહી બાદ પણ ગામના કેટલાક શખ્સો દેશી દારૂનો ધંધો બંધ ન કરતા હળવદ પોલીસે બે અલગ અલગ કાર્યવાહી કરી સૂર્યનગર પાસે આવેલ બ્રાહ્મણી નદી કાંઠે આવેલ પ્રવીણભાઈ જીવરાજભાઈના ભોગવટા વાળી જગ્યામાં પોલીસે 300 લીટર દેશી દારૂ ગાળવાનો આથો ઝડપી લઇ પ્રવીણભાઈ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી રેડમાં સૂર્યનગર ગામે રહેતા સુનિલભાઈ રમેશભાઈ ચરમારીએ વનારકીની સીમમાં આવેલ તેઓની વાડીએ ખેતીની સાથે સાથે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પણ શરૂ કરી હોય જેની બાતમી મળતા જ પોલીસે આ ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો અને ઘટના સ્થળેથી 500 લીટર દેશી દારૂનો આથો મળી આવ્યો હતો.જોકે આરોપી સુનિલ ફરાર થઈ ગયો હોય જેથી પોલીસ દ્વારા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.