જિલ્લા કલેકટરના સરપ્રાઈઝ ચેકીંગ બાદ મોરબી ભૂસ્તર શાસ્ત્રીનો સપાટો,સ્ટોક રજિસ્ટ્રેશન રદ કરાવ્યું હોવા છતાં મોટા પાયે કિંમતી ખાણીજનો સંગ્રહ કરાયો હતોમોરબી : મોરબી કંડલા બાયપાસ પર ત્રણ દિવસ પૂર્વે જિલ્લા કલેકટર દ્વારા ખાણ ખનીજ વિભાગને સાથે રાખી ધરમપુર નજીક પસાર થતા વાહનને અટકાવી ચેક કરતા વાહનમાંથી ફેલ્સપાર નામનું ખનીજ મળી આવતા તપાસ આગળ લંબાવી ફેલ્સપાર ખનીજનો સંગ્રહ અને વેચાણ કરતી એ.જે.માઇક્રોન્સ કંપનીમાં તપાસ દરમિયાન ખાણીજનો મોટો જથ્થો મળી આવતા પ્લાન્ટ સિઝ કરાયો હતો. જેમાં મોરબી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તપાસના અંતે એ.જે.માઇક્રોન્સની બે અલગ અલગ પેઢીઓને ગેરકાયદેસર ફેલ્સપાર સંગ્રહ મુદ્દે રૂ.૨,૬૩,૪૬,૯૭૭ અંકે રૂપિયા બે કરોડ ત્રેસઠ લાખ છેતાલીસ હજાર નવસો સત્યોતેર રૂપિયા દંડ ફટકારતો હુકમ કરવામાં આવતા ખનીજ ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૮ના રોજ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ખાણખનીજ વિભાગને સાથે રાખી કંડલા બાયપાસ પર ચેકીંગ કરતા ફેલ્સપાર ખનીજનો ગેરકાયદેસર સંગ્રહ કરી વેચાણનો મામલો સામે આવ્યો હતો.સમગ્ર મામલે જિલ્લા કલેકટરના આદેશ બાદ ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર દ્વારા તપાસ કરવામાં આવતા કંડલા બાયપાસ પર ટીંબડી ગામના રેવન્યુ સર્વે નં. ૪૧/૧, ૪૨/૧ ખાતે આવેલી કંપની એ એન્ડ જે માઇક્રોન્સ ભારત પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડાયરેક્ટર પાર્થભાઈ હરિલાલભાઈ ઘેટીયા દ્વારા ગેરકાયદેસર ફેલ્સપારનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.જેને પગલે રજીસ્ટ્રેશન વગર બિન-અધિકૃત રીતે સંગ્રહ કરાયેલ કુલ ૪૬,૭૫૧.૩ મેટ્રિક ટન ફેલ્સપાર ખનિજનો જથ્થો સિઝ કરી ગુજરાત મિનરલ્સ રૂલ્સ ૨૦૧૭ ના નિયમોના ભંગ બદલ ખનિજના બિનઅધિકૃત સંગ્રહ અને વેચાણ પેટે પ્રતિ મેટ્રિક ટન રૂ. ૨૮૦ લેખે રૂ. ૦૧,૩૦,૯૦,૩૬૪ અને ૨૧% પર્યાવરણીય નુકસાની વળતર પેટે રૂ. ૨૭,૪૮,૯૭૭ની ગણતરી કરી કુલ રૂ. ૦૧,૫૮,૩૯,૩૪૧ (એક કરોડ અઠાવન લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો એકતાળીસ પૂરાનો દંડ વસૂલ કરવા હુકમ કરાયો હતો.આ ઉપરાંત આ પેઢી દ્વારા કંડલા બાયપાસ રોડ પર ધરમપુર ખાતે રેવન્યુ સર્વે નં. ૭૧, ૭૨ પૈકી, ૭૪ પૈકી પર આવેલ એ.જે.માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પાર્થભાઈ હરિલાલભાઈ ઘેટીયા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે ફેલ્સપાર ખનીજ સંગ્રહ કરાયેલ વધારાનો ૩૧,૦૧૪.૨૭ મેટ્રિક ટન ફેલ્સપાર ખનિજનો જથ્થો મળી આવ્યો હતો. મહત્વનું છે કે, અહીં અગાઉ સ્ટોક રજીસ્ટ્રેશન રદ કરાવ્યું હોવા છતાં આ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવતા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ખનિજ ચોરી બદલ પ્રતિ મેટ્રિક ટન રૂ. ૨૮૦ લેખે રૂ. ૮૬,૮૩,૯૯૬ અને ૨૧% લેખે પર્યાવરણીય નુકસાની વળતર પેટે રૂ. ૧૮,૨૩,૬૪૦નો દંડ ફટકારી કુલ રૂ. ૦૧,૦૫,૦૭,૬૩૬ (એક કરોડ પાંચ લાખ સાત હજાર છસ્સો છત્રીસ પૂરા) નો દંડ ડિસ્ટ્રીકટ મિનરલ ફંડમાં ભરપાઈ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો.