અંદાજે રૂ.58 લાખના ચેકો રિટર્ન થયા હતા, તમામ રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમમોરબી : મોરબીમાં કાર્યરત કંપનીના બે ડિરેક્ટર સામે અંદાજે રૂ.58 લાખના ચેક રિટર્નના બે કેસ દાખલ થયા બાદ કોર્ટે બન્ને કેસમાં ડિરેક્ટરોને કસૂરવાર ઠેરવીને બન્ને કેસોમાં એક-એક વર્ષની સજા સાથે રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.પ્રથમ કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીમાં આવેલ 'સ્વેલ્કો સીરામીક એલ.એલ.પી.” ના ભાગીદાર જયદિપભાઈ જમનાદાસભાઈ નિમાવતે, મોરબીમાં આવેલ 'કે-માર્ક બીઝસોલ પ્રા. લી.' તથા તેના ડાયરેકટર્સ અનુક્રમે ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવર સામે સને ૨૦૧૯માં, ટાઈલ્સની ઉધાર ખરીદીની ચુકવણી પેટે આપેલ ચેક રકમ રૂા. ૭,૫૦,૫૪૬/- નો વણચૂકવ્યો પરત થતા, ફોજદારી કેસ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતા મોરબીના મહે. પ્રિન્સીપાલ સિનિયર સીવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એન.એ.ઈજનેર સાહેબે કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવરને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ઉપર ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ૦૯% સાદા વ્યાજ સહીત વળતર પેટે દીન-૩૦માં ચૂકવી આપવાનો ચુકાદો જાહેર કર્યો છે.બીજા કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીમાં આવેલ કેરા વીટ્રીફાઈડ એલ.એલ.પી.ના ભાગીદાર વિવેક ભીમજીભાઈ ગોધવિયાએ, મોરબીમાં આવેલ 'કે-માર્ક બીઝસોલ પ્રા. લી.' તથા તેના ડાયરેક્ટર્સ અનુકૂમે ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા તથા રોહીત ચતુરભાઈ કાવર સામે સને ૨૦૧૯ માં, ટાઈલ્સની ઉધાર ખરીદીની ચુકવણી પેટે આપેલ ચેક રકમ રૂા. ૫૦,૫૦,૨૩૭/-નો વણચૂકવ્યો પરત થતા, ફરીયાદીએ મોરબી કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતા કોર્ટે કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવર ને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ઉપર ફરીવાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ૦૯% સાદા વ્યાજ સહીત વળતર પેટે દીન-૩૦માં ચૂકવી આપવાનો ચુકાદો જાહેર કર્યો છે. બન્ને કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તથા રવી કે. કારીયા રોકાયેલ હતા.