સ્વામી શાંતાનંદ સરસ્વતી અને મહેન્દ્ર મુનિના સાંનિધ્યમાં યજ્ઞ, સત્સંગ અને સંસ્કાર સિંચનનો ત્રિવેણી સંગમ રચાયો: સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોના પાઠ ભણાવાયામોરબી : મોરબીમાં સનાતન ધર્મ અને વૈદિક પરંપરાને ઉજાગર કરતા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં તારીખ ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ (સોમવાર અને મંગળવાર)ના રોજ મોરબીના લખધીરવાસ આર્યસમાજ, સાર્થક વિદ્યામંદિર અને ગાયત્રી ચેતના કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ‘વૈદિક સત્સંગ તથા યજ્ઞ પ્રશિક્ષણ શિબિર’ સુચારૂ રૂપે સંપન્ન થઈ હતી.આ ધાર્મિક આયોજનમાં મુખ્યત્વે આર્યસમાજ લખધીરવાસ ખાતે યજ્ઞ પ્રશિક્ષણના કુલ ૩ સત્રો યોજવામાં આવ્યા હતા. જેમાં યજ્ઞના બ્રહ્મસ્થાને સ્વામી શાંતાનંદ સરસ્વતી બિરાજમાન રહ્યા હતા, જ્યારે દર્શન યોગ ધામ લકરોડાથી પધારેલા મહેન્દ્ર મુનિ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આર્યસમાજ લખધીરવાસના સ્થાનિક ભક્તજનો અને બહેનોએ મોટી સંખ્યામાં જોડાઈને શ્રદ્ધાપૂર્વક ધ્યાન-ઉપાસના શીખી યજ્ઞમાં આહુતિ આપવાનો લહાવો લીધો હતો.વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચનમોરબીની શિક્ષણ સાથે સંસ્કાર આપતી સંસ્થા એવી સાર્થક વિદ્યામંદિર ખાતે પણ બપોરના સમયે બે વિશેષ સત્રો યોજવામાં આવ્યા હતા. જેમાં ધોરણ ૧૨ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્વામીજીએ યજ્ઞના પ્રશિક્ષણની સાથે જીવનમાં નૈતિક મૂલ્યો કેવી રીતે ધારણ કરવા તેની પ્રેરણા પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓને પ્રતિદિન સવારે અને રાત્રે ૨૪ વાર ગાયત્રી મંત્રનો જપ કરવાનું વ્રત લેવડાવ્યું હતું. વહેલા સૂઈ, વહેલા ઊઠી એકાગ્ર મને અધ્યયન કરી ઉત્તમ ગુણો ગ્રહણ કરવા અનુરોધ કર્યો હતો. વઢવાણથી પધારેલ વીરાંગના પ્રાચી આર્યા દ્વારા બાળકોના એક સત્રમાં દૈનિક યજ્ઞ કરાવવામાં આવ્યો હતો.યજ્ઞ ચિકિત્સાનું મહત્વરાત્રિ સભા દરમિયાન ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે સ્વામી શાંતાનંદ સરસ્વતીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને યજ્ઞનું સાચું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું કે કઈ રીતે યજ્ઞ ચિકિત્સા ક્ષેત્રે (સ્વાસ્થ્ય માટે) લાભદાયી નીવડે છે. મનુષ્ય જીવનને સાર્થક અને સફળ બનાવવા માટે તેમણે સૌને પંચમહાયજ્ઞ, સ્વાધ્યાય અને સત્સંગ કરવા માટે પ્રેરિત કર્યા હતા.આ બે દિવસીય યજ્ઞ સત્રોને સફળ બનાવવા માટે ઉદયભાઈ આર્ય, સિસોદિયાજી, અનિલભાઈ, કિશોરભાઈ, કમલેશભાઈ અને મણીભાઈ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભવિષ્યમાં આનાથી પણ વધુ ભવ્ય કાર્યક્રમ યોજવાના ઉત્સાહ સાથે બુધવારે સવારે પૂજ્ય સ્વામીજી તથા મહેન્દ્ર મુનિને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.