આ સંમેલનમાં વિજ્ઞાન પ્રદર્શની, વસ્તુ પ્રદર્શની, શાસ્ત્ર પ્રદર્શની, સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ દ્વારા થયેલ કાર્ય પ્રદર્શની, યજ્ઞશાલા મંડપ વગેરે સહિતના કાર્યક્રમો ધ્યાનાકર્ષણ રહેશેમોરબી : આગામી 28 અને 29 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું બે દિવસીય પ્રાન્ત સેનાનું સંમેલન ટી.ડી.પટેલ સંચાલિત ઓમ શાંતિ વિદ્યા સંકુલ, શનાળા બાયપાસ રોડ, મોરબી ખાતે યોજાશે. આ સંમેલનનું ઉદ્ઘાટન તા. 28ના રોજ બપોરે 2 કલાકે કરાશે. જેમાં ગુજરાત સરકારના ઘણા મંત્રીઓ તેમજ નામાંકિત કથાકારો, સાધુ- સંતો અને મહાનુભાવોની ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ સમાપન કાર્યક્રમ 29 તારીખે બપોરે 2:00 કલાકે રહેશે. આ સંમેલનમાં સૌરાષ્ટ્ર પ્રાંતના 15 જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ પોતાના સ્વખર્ચે ઉપસ્થિત રહેશે. અને બે દિવસ સંસ્કૃત ભાષાના સંવર્ધન હેતુ વિચાર-વિમર્શ કરશે. આ સંમેલનમાં સંસ્કૃત સંગઠનનું અભૂતપૂર્વ દર્શન થશે. જાહેર જનતા માટે રાત્રે 9:00 કલાકે સંસ્કૃતમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘણા બધા કાર્યક્રમો સંસ્કૃતમાં પ્રસ્તુત કરવામાં આવશે.જેમાં વિજ્ઞાન પ્રદર્શની, વસ્તુ પ્રદર્શની, શાસ્ત્ર પ્રદર્શની, સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ દ્વારા થયેલ કાર્ય પ્રદર્શની, યજ્ઞશાલા મંડપ, સંસ્કૃત ગૌરવ પરીક્ષા મંડપ, પત્રાચાર દ્વારા સંસ્કૃત મંડપ, સંભાષણ સંદેશ મંડપ, સંસ્કૃત ભાષામાં મોરબીમાં પ્રથમવાર યોજાનાર આ સંમેલનનું ધ્યાનાકર્ષણ રહેશે. આ સંમેલનમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે સંસ્કૃત ભારતી જુનાગઢના અધ્યક્ષ દાનીરાયજી હવેલીના આચાર્ય પરમ પૂજ્ય વ્રજેન્દ્રકુમારજી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ લલીતભાઈ પટેલ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, અન્ય સંસ્કૃત પ્રેમી સંસ્થાઓ અને વ્યક્તિઓ મદદ કરી રહ્યા છે.તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતીના પ્રાંત અધ્યક્ષ સુકાન્તકુમાર સેનાપતિ , મંત્રી પંકજભાઈ ત્રિવેદી અને સહમંત્રી લલીતભાઈ , સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ , તેમજ મોરબી સંસ્કૃત ભારતી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના અનેક કાર્યકર્તાઓ દિવસ-રાત અથાક મહેનત કરી રહ્યા છે. નોંધનીય છે કે, સંસ્કૃત ભારતીએ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના 38 દેશોમાં સંસ્કૃત ભાષાનો નિઃશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે. જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જન વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત છે.