મોરબી: મોરબી 2 ખાતે રહેતા નિર્મળાબેન જયંતીલાલ રાવલનું અવસાન થતા તેમની બે દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી પુત્રધર્મ નિભાવ્યો હતો. મોરબી 2, મધુવન સોસાયટી, સોમનાથ મહાદેવ મંદિર સામે, ત્રાજપર ચાર રસ્તા પાસે રહેતા નિર્મળાબેન જેન્તીભાઈ રાવલનું વૃદ્ધવસ્થા તેમજ બીમારીને કારણે અવસાન થયું હતું. સદગતને સંતાનમાં અરૂણાબેન તથા ઉષાબેન નામની બે પુત્રીઓ જ છે. જે પૈકી અરૂણાબેનના પતિ હરેશભાઇ જાની બી.એસ.એન.એલ.માં સર્વીસ કરતા હતા. અરૂણાબેનના માતા છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. છેલ્લા ૧૫ વર્ષથી પ્રવાહી ખોરાક જ લઇ રહ્યા હતા. માતા પથારીવશ હોવાથી અરુણાબેનના પતિ હરેશભાઇ જાની (રીટાયર બી.એસ.એન.એલ. કર્મચારી) તેમજ પુત્ર નિશાંત જાની (ક્રિકેટ કોચ)ના સાથ સહકારથી અરુણાબેન માતાની સેવા કરતાં હતા. ગુરુવારે તેમના માતાનું અવસાન થતાં તેમણે માતાને કાંધ આપી, પુત્રની ગરજ સારી અગ્નીદાહ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અરુણાબેનના પિતાનું પણ ત્રણ વર્ષની માંદગી બાદ 2010માં અવસાન થયુ હતું ત્યારે પિતા જયંતીલાલ રાવલને પણ દિકરીઓએ જ કાંધ આપીને અગ્નીદાહ આપીને પુત્રની ફરજ નિભાવી હતી.