અમદાવાદથી ખાનગી ગાડીમાં એક એક લીટરની બાટલી લઈને મોરબીના પાડા પુલ પહોંચ્યા અને ઝલાયા મોરબી : અમદાવાદથી શિવાઝ રીગલ બ્રાન્ડ મોંઘી શરાબની એક એક લીટરની બે બાટલી લઈ ખાનગી કારમાં મોરબી આવી રહેલા ગૌતમ અને ચેતન નામના બે શખ્સ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ઝપટે ચડી જતા મોંઘો શરાબ વધુ મોંઘો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પાડા પુલ નજીક પસાર થતી સ્વીફ્ટ ડિઝાયર કારને રોકી તલાસી લેતા કારમાં બેઠેલા ગૌતમ પટેલ અને ચેતન પટેલના કબ્જામાંથી શિવાઝ રીગલ બ્રાન્ડ વિદેશી દારૂની એક એક લીટરની બે બોટલ કિંમત રૂપિયા 6400 મળી આવી હતી. જો કે, કાર ચાલકની પૂછપરછ કરતા બન્ને ઇસમોને અમદાવાદથી પેસેન્જર તરીકે મોરબી સુધી બેસાડીને લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. લક્ઝુરિયસ શિવાઝ રીગલ બ્રાન્ડની દારૂની બોટલ મામલે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.