હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર સુખપર ગામ નજીક ટ્રક ચાલકે પગપાળા જતા બે સગાભાઈઓને હડફેટે લેતા આ ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા એક ભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજા ભાઈને ઇજાઓ થઈ હતી.અકસ્માતના આ બનાવ અંગે હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ - ધ્રાંગધ્રા રોડ ઉપર સુખપર નજીક પગપાળા જઈ રહેલા ફરિયાદી ઘનશ્યામભાઈ પોપટભાઈ વિરમગામાં ઉ.47 રહે.શોભેશ્વર રોડ, મોરબી તેમજ તેમના ભાઈ રાણાભાઈને જીજે - 12 - બીવી - 5134 નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતા રાણાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ઘનશ્યામભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક નાસી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.