ટંકારા : લખધીરગઢ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા જીવતીબેન પીપલિયાના બે પુસ્તકોનું વિમોચન નીલકંઠ વિદ્યાલયમાં રાઘવજીભાઈ માધડ અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.જીવતીબેન પીપલિયા બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ ઉત્તમ શિક્ષિકા તો છે જ. સાથે સાથે બાળસાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કરી રહ્યાં છે. તેઓએ બાળ સાહિત્યને ચાર પુસ્તકો આપ્યા છે. એમના અન્ય બીજા બે કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયા છે. 29 ડિસેમ્બરના રોજ ચાલો, સાહિત્યનાં પંથે, સાહિત્ય જગત અને સાહિત્ય પ્રકાશના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રથમ સાહિત્યિક સ્નેહમિલન સમારોહ અને પુસ્તક વિમોચન કાર્યક્રમ અંતર્ગત જીવતીબેન પીપલિયા 'શ્રી' દ્વારા સંકલિત 'ઝળહળતા તારલા' અને 'જાદુઈ જપ્પી'(બાળવાર્તાસંગ્રહ) નામના બે પુસ્તકનું સંમેલનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત પ્રસિદ્ધ સાહિત્યકાર અને સંદેશ અર્ધસપ્તાહિક પૂર્તિમાં ચંદરવો કોલમના લેખક રાઘવજી માધડના હસ્તે કરવામાં આવ્યું હતું.