પોલીસે ક્રિષ્ના પાર્કમાં દરોડો પાડી બુટલેગરને પકડી લીધા બાદ શ્રદ્ધાપાર્કમાંથી સપ્લાયરને પણ દબોચ્યો મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપરથી વિદેશી દારૂની 60 બોટલ સાથે બુટલેગરને ઝડપી લીધા બાદ અલ્ટો કારમાં દારૂનો આ જથ્થો સપ્લાય કરનાર ઇસમને પણ શ્રદ્ધા પાર્કમાંથી અલ્ટો સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડીરોડ ઉપર ક્રિષ્ના પાર્કમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે રફીકભાઈ ઉસ્માનભાઈ અજમેરીના રહેણાંકમાં દરોડો પાડતા મેકડોવેલ નંબર વન અને રોયલ ચેલેન્જ વ્હિસ્કીની 60 બોટલ કિંમત રૂપિયા 25,980નો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં પોલીસે દારૂનો આ જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે પૂછતાછ કરતા રફીક અજમેરીએ જીતરાજસિંહ ક્રિપાલસિંહ ગોહીલ,રહે. હાલ શ્રધ્ધા પાર્ક નવલખી રોડ મોરબી, મુળ રહે. આમલા ગામ તા.શીહોર જી ભાવનગર વાળો રફીકની અલ્ટો કારમાં દારૂ ભરીને આપી ગયાનું જણાવતા પોલીસે ત્વરિત શ્રદ્ધા પાર્કમાં દરોડો પાડતા આરોપી જીતરાજસિંહ પણ ઝડપાઇ ગયો હતો. આમ, સિટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ અંગેનો દરોડો પાડી દારૂના જથ્થા સાથે બુટલેગર ઉપરાંત સપ્લાયર અને વાહનને કબ્જે કરી કુલ 1,25,980નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.