11 દિવસ પૂર્વે વાંકાનેર નજીક બનેલી ઘટના બાદ રાજકોટ રેલવે પોલીસને તપાસમાં મળી સફળતા વાંકાનેર : વાંકાનેર -મોરબી વચ્ચેના રેલવે ટ્રેક પ૨ ઇંટોનો જથ્થો મૂકી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર બે શખ્સોની રાજકોટ રેલવે પોલીસે ધરપકડ કરી હતી. યુપીમાં હિંસા કરનાર વિરુદ્ધ સીએમ યોગીએ બુલડોઝર ફેરવીને જે કાર્યવાહી કરી હતી. તેનો બદલો લેવા આ બન્ને શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગત તા.12ના રોજ રાત્રે ડેમુ ટ્રેન વાંકાનેરથી મોરબી જઈ રહી હતી. ત્યારે મકનસર ગામ નજીક ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળ્યું હતું. જેથી ચાલક સલીમભાઇએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું. બાદમાં ચાલક સલીમભાઇ ટ્રેનમાંથી નીચે ઉતરી તપાસ કરતા રેલવે ટ્રેક ઉપર ઇંટોનાં ટુકડાઓનો ઢગલો જોવા મળ્યો હતો. જેથી તુરંત ચાલક સલીમભાઇએ બનાવ અંગે રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધટનાને પગલે અધિકારીઓ દોડી આવ્યા હતા અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલ્વે પોલીસે તપાસ દરમિયાન બે આરોપી અકબર ઉર્ફે દાઉદ મોવર મિયાણા રહે. મિલ પ્લોટ, વાંકાનેર અને લક્ષમણ મગન ઇશોરા રહે. ચંદ્રપુરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી દ્વારા પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપીના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું. પ્રયાગરાજ હિંસાની આ ઘટનામાં બદલો લેવા બન્ને શખ્સોએ ટ્રેન ઉથલાવી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.