મોરબી જિલ્લામાં મેઘરાજાની ટવેન્ટી ટવેન્ટી જેવી રમઝટ મોરબી : દક્ષિણ ગુજરાતમાં સતત મેઘવર્ષા વચ્ચે બપોર બાદ સૌરાષ્ટ્ર તરફ મેઘરાજાએ આગેકૂચ કરી રાજકોટ પંથકમાં ધબધબાટી બોલાવ્યા બાદ ગુરુવારે સાંજે ચારથી છ વાગ્યાના અરસામાં મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ ટવેન્ટી ટવેન્ટી જેવી રમઝટ બોલાવતા ટંકારામાં બે કલાકમાં સવા બે ઈંચ તો મોરબીમાં 9 મીમી વરસાદ વરસ્યો હતો.મોરબી જિલ્લામાં આજે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો અને સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન મોરબી, ટંકારા અને વાંકાનેરમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકામાં 2 કલાકમાં 60 મીમી એટલે કે આશરે સવા 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંકાનેર તાલુકામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. તો મોરબી તાલુકામાં 9 મીમી વરસાદ નોંધાયો હતો.