અરવલ્લીમાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો, મોરબીમાં કાલે ઓરેન્જ એલર્ટ મોરબી : રાજ્યમાં ફરી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, ખાસ કરીને પાંચ-પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવતીકાલે સુરેન્દ્રનગરમાં તેમજ રવિવારે કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને બોટાદ માટે કાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ શુક્રવારે સાંજ સુધીમાં રાજ્યમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં બે કલાકમાં જ સાડા કેહર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢના વિસાવદરમાં અઢી ઈંચ તેમજ ગીર સોમનાથના સુત્રાપાડામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેમાં ગુરુવારે પશ્ચિમ મધ્યપ્રદેશના મધ્ય ભાગો પરનો લો-પ્રેશર વિસ્તાર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યો છે અને ચક્રવાતી વાવાઝોડું સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઉપર ફેલાયેલું છે.તા.7 સપ્ટેમ્બર સવાર સુધીમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં ફરવાઈ જવાની સંભાવના છે. સાથે જ અરબી સમુદ્રમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે, હવાનું ચક્રવાત સર્જાયું છે જે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર સારો વરસાદ લાવશે.વરસાદી સિસ્ટમને પગલે આવતીકાલે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી માટે રેડ એલર્ટ તેમજ રાજકોટ મોરબી, બોટાદ, ગાંધીનગર, પાટણ, ખેડા સહિતના જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા માટે રેડ એલર્ટ તેમજ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને ગાંધીનગર સહિતના જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.દરમિયાન શુક્રવારે પણ મેઘરાજાએ સાંજ સુધીમાં રાજ્યના 116 તાલુકામાં મેઘમહેર કરી હતી જેમાં સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં બે કલાકમાં 4.5 ઈંચ, વલસાડના ધરમપુરમાં 2.76 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 2.76 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.09 ઈંચ, વેરાવળમાં 1.69 ઈંચ, અમરેલીના બગસરામાં 1.42 ઈંચ, જૂનાગઢના ભેસાણમાં 1.14 ઈંચ, અમરેલીના કુંકાવાવમાં 1.02 ઈંચ, ધારીમાં પોણો ઈંચ, અમરેલી અને ઉનામાં અડધો ઈંચ તેમજ સાવરકુંડલા અને જામનગરના જામજોધપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.