હજુ બે મુખ્ય આરોપી ફરાર, રિમાન્ડમાં પૂછપરછ દરમિયાન વધુ નામ ખુલે તેવી શકયતામોરબી : મોરબીના વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં સીઆઇડીએ બે આરોપીની ધરપકડ કરી છે. બન્ને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.મોરબીના વજેપરમાં સર્વે નંબર-૬૦૨ની જમીનમા ખોટી વારસાઈ નોંધ કરાવી હડપ કરવા મામલે મોરબી શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતાબહેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા સહિતના લોકો ફરિયાદ નોંધાઈ હતી. સીઆઇડી દ્વારા ગઈકાલે આરોપી ભરત દેગામા અને હેતલ ભોરણીયાની ધરપકડ કરવામાં આવી છે. આજે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં બોગસ ડોક્યુમેન્ટની તપાસ કરવાની હોવાના ગ્રાઉન્ડ ઉપર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે તા.8 સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ બે મુખ્ય આરોપી ફરાર છે. જેમાં આરોપી સાગર ફુલતરિયાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પણ હાઇકોર્ટે અરજી ફગાવી દીધી છે. જે બે આરોપી પકડાયા છે. તેઓની પૂછપરછ દરમિયાન વધુ નામ ખુલે તેવી પણ શકયતા છે.