મોરબી પોલીસે દિલ્હી પોલીસ પાસેથી બન્ને આરોપીઓનો કબ્જો મેળવીને રિમાન્ડની તજવીજ હાથ ધરી મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર થોડા દિવસો પહેલા બે શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી સરાજાહેર બંદૂકના નાળચે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ત્યારે મોરબી પોલીસની વિવિધ ટીમોએ સઘન તપાસ ચલાવતા બન્ને આરોપીઓ દિલ્હીથી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આથી મોરબી પોલીસે બન્ને આરોપીનો દિલ્હી પોલીસ પાસેથી કબ્જો મેળવી વિધિવત ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે થોડા દિવસો પહેલા ભરબપોરે ધોળે દહાડે નંબરપ્લેટ વગરના મોટર સાયકલ ઉપર ઘસી આવેલા બે શખસોએ રોકડ લઈને જઈ રહેલા વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા નામના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી. આ દરમિયાન વસંતભાઈએ પ્રતિકાર કરતા તેમને ઇજા પણ પહોંચી હતી. બનાવ મામલે ફરિયાદ નોંધીને પોલીસે જુદી જુદી 7 ટીમોને કામે લગાડી તપાસ આદરી હતી. મોરબી પોલીસની વિવિધ ટીમોએ સઘન તપાસ ચલાવતા આરોપીઓ હરિદ્રાર અસ્થિ વિસર્જન માટે ગયા હોવાનું ખુલતા મોરબી પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને ત્યાંથી આરોપીઓનું દિલ્હી નજીક પગેરું મળતા દિલ્હી પોલીસની મદદથી લૂંટ કરનાર બન્ને આરોપીઓ જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુરસિંગ રાજપૂતને ઝડપી લેવાયા હતા.આથી મોરબી પોલીસે ગઈકાલે આ બન્ને આરોપીઓનો દિલ્હી પોલીસ પાસેથી કબ્જો મેળવી વિધિવત ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. જો કે આ ચકચારી લૂંટ પ્રકરણમાં બન્ને આરોપીઓ કુલ કેટલી રકમ લૂંટી ગયા હતા અને તેનો ઈરાદો લૂંટનો હતો કે કોઈ અંગત અદાવત કારણભૂત હતી તે બાબતે હજુ સુધી રહસ્ય છે.ત્યારે પોલીસ આ રહસ્ય પરથી પડદો ઉચકાવી શકશે કે કેમ તે જોવાનું રહ્યું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..