હાર્મોનિયમ તબલાના તાલે કર્યું પ્રેરણાદાયી કાર્ય મોરબી : ટીવી, મોબાઈલ, ઈન્ટરનેટના આ યુગમાં પુસ્તક પઠન, મનન અને ધાર્મિક સાહિત્ય કંઠસ્થ કરવું કોઈને ગમતું નથી પરંતુ મોરબીના રંગપડીયા પરિવારના ટ્વીન્સ બાળકોએ માત્ર પાંચ વર્ષની ઉમરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ કરી લઈ ગઈકાલે બન્નેના જન્મદિવસ નિમિતે કેક કાપવી કે હોટેલમાં પાર્ટી કરવાને બદલે ધૂન મંડળનું સુકાન સંભાળી હાર્મોનિયમ તેમજ તબલાના તાલે સુરાવલી વહાવી જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. આજના સમયમાં મોટા ભાગના બાળકો પોતાના જન્મદિવસની ઉજવણી ખુબજ ધમેકદાર રીતે કરવામાં આવે તેવી જીદ માતા પિતા પાસે કરતા હોય છે અને મોંઘી હોટેલમાં મોંઘી કેક કાપી,મોંઘી થાળી સાથે પાશ્ચાતીય સંસ્કૃતિની જેમ ખુબજ ખર્ચાળ રીતે ઉજવણી કરતા હોય છે. પરંતુ મોરબીના રવાપર રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા રંગપડીયા મનીષભાઈ દિનેશભાઈના ટીવીન્સ દિકરા - દીકરી જેવલ-જીયાના જરા હટકે છે. પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશેલ જેવલ અને જીયાનાએ પોતાના જન્મદિવસ નિમિત્તે કેક કાપવા કે મોંઘી હોટલમાં જમવા જવાના બદલે ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પોતાના કંઠે સુમધુર સુંદર ભાવવાહી શૈલીમાં સંગીતના સુરો સાથે,તબલાંના તાલે, ઢોલકના નાદ સાથે હનુમાન ચાલીસાનું પઠન કરીને ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ મોરબીમાં ગૌસેવા માટે તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે વર્ષોથી ચાલતા બજરંગ ધૂન મંડળની ધૂન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે ધનરાશી એકત્ર કરી જન્મદિનની ઉત્તમ ઉજવણી અન્ય બાળકો માટે પ્રેરણા પુરી પાડેલ છે. આ પ્રસંગે ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રંગપડીયા પરિવારના સગા-વ્હાલા સ્નેહીજનોએ આ બંને બાળકોને શુભાષીશ પાઠવ્યા હતા.