પ્રભાત ધૂન, કાર્યકર્તાઓ તથા દાતાઓનો પારિવારીક સન્માન સમારોહ, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિરનો ત્રયોદશમ્ પાટોત્સવ આગામી તા. ૨૭-૨-૨૦૨૦ ગુરુવારના રોજ ધામધુમથી ભક્તિભાવપૂર્વક ઉજવાશે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાત ધૂન, બપોરે ૪ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાઓના પરિવારનો સન્માન સમારોહ, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના સર્વજ્ઞાતિય માનવસેવા પ્રદાન કરવામા આવે છે. જે સેવાઓમા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહીની સેવા, એમ્બ્યુલન્સ સેવા, ફ્રિઝ કોફીન બોક્સ, દરરોજ સાંજે પ્રસાદ, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, કુદરતી આફત સમયે સેવા સહીતની સેવાઓનો સમાવેશ થાય છે ત્યારે આગામી વર્ષે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે નવ નિર્મિત સેજપાલ હોલ ઉપર વિશાળ એ.સી. હોલ તથા એ.સી. રૂમનુ નિર્માણ કરવામા આવશે. જેથી, સમાજના દરેક વર્ગના લોકોને સારા-નરસા પ્રસંગે તેનો લાભ મળી રહે. આ તકે જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં શહેરના તમામ જલારામ ભક્તોને ત્રયોદશમ્ પાટોત્સવની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવ્યું છે.